નવી દિલ્હી : પેલેસ્ટાઈનને દેશો અને પ્રાંતોની પોતાની યાદીમાંથી હટાવવા પર પેલેસ્ટાઈનના અધિકારીઓએ અમેરિકાની નિંદા કરી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, પેલેસ્ટાઈનના સરકારી પ્રવક્તા નબિલ અબુ રુદૈનેહે રવિવારે એક સત્તાવાર પત્રકાર સંમેલનમાં કહ્યુ કે આ નિર્ણયમાં અમેરિકાની વિદેશ નીતિમાં અભૂતપૂર્વ રકાસ જોવા મળ્યો છે. રુદૈનેહે કહ્યુ છે કે આ નિર્ણય ફરી એકવાર દર્શાવે છે કે અમેરિકા માત્ર ઈઝરાયલનો પક્ષ લઈ રહ્યું નથી, પરંતુ ઈઝરાયલના કટ્ટર દક્ષિણપંથની યોજનાઓમાં પુરો સહયોગ કરે છે. રવિવારે આના પહેલા ઈઝરાયલ રેડિયોએ કહ્યું હતું કે અમેરિકાના વિદેશ વિભાગે પોતાની સત્તાવાર વેબસાઈટ પરથી પેલેસ્ટાઈનની સીમા અથવા પેલેસ્ટાઈન પ્રશાસન સાથે સંબંધિત તમામ જાણકારીઓ ડિલીટ કરી દીધી હતી.
ડિસેમ્બર-2017માં જેરુસલમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષમા બાદથી પેલેસ્ટાઈન અને અમેરિકા વચ્ચે રાજકીય સંબંધો નાજૂક તબક્કામાં પહોંચી ચુક્યા છે. મે-2018માં વોશિંગ્ટને ઈઝરાયલમાં પોતાના દૂતાવાસને જેરુશલમ સ્થાનાંતરીત કરી દીધું હતું.
રવિવારે પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે પણ પેલેસ્ટાઈન અથવા પેલેસ્ટાઈનના લોકોને સંબોધિત કરનારા તમામ શબ્દોને પોતાની સત્તાવાર વેબસાઈટ પરથી હટાવવા બદલ અમેરિકાની નિંદા કરી હતી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે હાલ અમેરિકાની સરકાર બે રાષ્ટ્ર સમાધાનને નષ્ટ કરવા અને પોતાના અધિકારોથી બચવા માટે ઈઝરાયલની યોજનાને લાગુ કરે છે.