– આનંદ શુક્લ
- અફઘાનિસ્તાનમાં હિંસાચાર પાછળ પાકિસ્તાનનો આતંકી ખેલ
- અફઘાનિસ્તાનની અસ્થિરતા દૂર કરવા ભારતની હાજરી જરૂરી
- ભારત તરફી મજબૂત અફઘાનિસ્તાન વૈશ્વિક હિતમાં
અફઘાનિસ્તાનની સરહદો ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ રહેલા ગિલગિટ-બાલ્તિસ્તાનને સ્પર્શે છે. પરંતુ સદીઓ જૂના સંબંધો અને આધુનિક યુગમાં ભારતના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન ભારત માટે બેહદ મહત્વ ધરાવે છે. ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અફઘાનિસ્તાનમાં ભારતની કોઈને કોઈ રીતે હાજરી ખૂબ જ જરૂરી છે.
અમેરિકા માને છે કે આતંક વિરુદ્ધના યુદ્ધમાં અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનોને ખતમ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે હજી પણ અફઘાનિસ્તાનની લોકશાહી ઢબે ચૂંટાતી સરકારોની સત્તા કાબુલની હદમાં પણ માંડમાંડ ચાલે છે. તો અલકાયદા અને તાલિબાનો હજી પણ આત્મઘાતી હુમલા સહીતની પોતાની આતંકી લડાઈ ચાલુ રાખી રહ્યા છે. આઈએસઆઈએસ પણ માથું ઉંચકી રહ્યુ છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાં વિદેશી સેનાઓની વાપસી બાદ તાલિબાનો અને ઈસ્લામિક આંતકવાદીઓ ફરીથી માથું ઉંચકે તેવી પુરી શક્યતા છે. અલકાયદાના આકા અલ ઝવાહીરીએ વીડિયોમાં દક્ષિણ એશિયામાં ભારત સહીતના દેશોમાં જેહાદના નામે આતંક ફેલાવવાની ધમકી આપી છે. ત્યારે અફઘાનિસ્તાન ફરીથી આતંકવાદીઓના હાથમાં જાય નહીં તે જોવું ભારતનું રાષ્ટ્રીય હિત છે.
અફઘાનિસ્તાનમાં ભારતે પોતાના હિતોની જાળવણી માટે હંમેશા પ્રવર્તમાન અને ભવિષ્યની સરકારો તથા નેતાઓ સાથે મિત્રતાપૂર્ણ સંબંધો જાળવી રાખવા જોઈએ. પાકિસ્તાન સામે મજબૂત ભારત તરફી અફઘાનિસ્તાન મહત્વની રણનીતિક જરૂરિયાત છે. તેના માટે ભારતે અફઘાનિસ્તાનમાં આર્થિક વિકાસના કામો માટે સહયોગ ચાલુ રાખવો જોઈએ.
ભારત સરકારે ખુદ દેશમાં પરસ્પર વિરોધી ઉગ્રવાદી પ્રવૃતિઓને મંદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતના રાજકારણના પડઘા વૈશ્વિક સ્તરે પડે નહીં તેનું પુરતું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાનિક રાજકારણને છિછરી માનસિકતાથી રજૂ કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સહીતના ઈસ્લામિક વિશ્વમાં જેહાદના નામે આતંકવાદી પ્રવૃતિઓને ભડકાવામાં આવે છે. ત્યારે ભારત સરકારે અફઘાનિસ્તાનને સારા સંકેતો આપીને પોતાના રણનીતિક હિતોની ક્ષેત્રમાં જાળવણી કરીને દક્ષિણ એશિયામાં મજબૂત સાથીદાર મેળવવા કોશિશ કરવી જોઈએ.
અફઘાનિસ્તાનમાં 80ના દાયકા સુધી ભારતની ફિલ્મો અને કલાકારોની ખૂબ લોકપ્રિયતા રહી છે. ભારતના નેતાઓનો પણ અફઘાનિસ્તાનના શાસકો પર ખાસો પ્રભાવ રહ્યો છે. અફઘાનિસ્તાનના સામાન્ય લોકોમાં પણ ભારતની પાકિસ્તાનની સરખામણીએ ઘણી સારી છાપ રહી છે. પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના દોરીસંચાર હેઠળ સોવિયત સેનાઓની વાપસી બાદ અફઘાનિસ્તાનનું તાલિબાનીકરણ થતા ભારત સામે ધાર્મિક આધારે વિરોધ છેક નીચલા સ્તરે પહોંચ્યો છે. જેનો લાભ પાકિસ્તાન ઉઠાવી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં ભારતે પાકિસ્તાનનો પ્રભાવ ઓછો કરવો જરૂરી છે.
અફઘાનિસ્તાનમાંથી સોવિયત સંઘની સેનાઓની વાપસી બાદ જમ્મુ-કાશ્મીરમાં આઝાદી અને જેહાદના નામે આતંકનો ખૂની ખેલ ઉગ્ર બન્યો હતો. નાઈન ઈલેવનના અમેરિકા પરના હુમલા બાદ અમેરિકી સેના દ્વારા અફઘાનિસ્તાનમાંથી તાલિબાનો પદભ્રષ્ટ કરાયા બાદ તબક્કાવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી હિંસાની તીવ્રતા ઘટી છે. તો અફઘાનિસ્તાનની સરહદે રહેલા પાકિસ્તાનના વજિરીસ્તાન અને સરહદ પ્રાંતમાં આતંકી ઠેકાણા પર પણ અમેરિકા ડ્રોન હુમલા કરે છે. અમેરિકાના દબાણમાં જ પાકિસ્તાની સેના આ વિસ્તારોમાં તાલિબાનો સામે થોડુંઘણું લડી રહી છે. ત્યારે ભારતે અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની ધીમી વાપસી અને કોઈને કોઈ રીતે કાયમી હાજરી માટે કોશિશો કરવી જોઈએ. અહીં અમેરિકી ઉપસ્થિતિથી પાકિસ્તાન, તાલિબાન અને ઈસ્લામિક આતંકવાદીઓ કાબુમાં રહેશે.
ભારતની ક્ષેત્રમાં વ્યૂહાત્મક જરૂરિયાતો માટે અફઘાનિસ્તાન ખૂબ મહત્વનું છે. ત્યારે સુરક્ષાના મુદ્દાઓ પર ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની હાજરી નોંધાવવાની જરૂર છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના લશ્કરી થાણા અને પરમાણુ ઠેકાણા છે. ત્યારે ભારતના સુરક્ષા હિતો માટે પણ અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી બેહદ જરૂરી છે.