ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે કે નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકોએ કથિતપણે સામાન્ય નાગરીકોને નિશાન બનાવ્યા છે. પુલવામા આતંકી હુમલા બાદ આખી દુનિયાથી અલગ-થલગ પડી ચુકેલા અને આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ થયા બાદ પાકિસ્તાન ફરીથી ખળભળી ઉઠયું છે.
આના પહેલા ઈમરાનખાનના નેતૃત્વમાં રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ પર વડાપ્રધાન ઈમરાનખાનના વિશેષ મદદનીશ ડૉ. ફરિદૌસ આશિકે રવિવારે તબક્કાવાર ટ્વિટ કરીને આની ઘોષણા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાનના રાજકીય નેતૃત્વને એક થઈને એકતાનો સંદેશ આપવાનો છે. પાકિસ્તાને ભારતીય સેના પર આરોપ લગાવ્યો હતો કે ભારત પીઓકેમાં નાગરિકોની ઉપર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે ભારત દ્વારા પાકિસ્તાનના આવા આરોપોને રદિયો આપવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાએ શુક્રવારે અને શનિવારે કેરન સેક્ટરમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમની ઘૂસણખોરીને નાકામિયાબ બનાવીને સાત પાકિસ્તાની બેટ કમાન્ડો અને આતંકવાદીઓને ઠાર માર્યા છે. તો પાકિસ્તાને ફરી એકવાર પોતાના જ સૈનિકો હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
બીજી તરફ ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી.કાશ્મીરમાં આતકવાદી ખતરા અને સુરક્ષા તૈયારીઓની સાથે આગળની રણનીતિ પર વિચારણા કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેના પછી જમ્મુ-કાશ્મીરમાં હલચલ વધી ગઈ છે. સંસદભવન ખાતેના ગૃહ પ્રધાન અમિત શાહના કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબાની સાથે લગભગ બે કલાક સુધી લાંબી બેઠક કરી હતી.