- ફ્રાંસના ભૂતપૂર્વ પીએમ બલાદુર પર ચાલશે કેસ
- પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલ સામે થયો છે કેસ
- 1990માં સામે આવ્યો હતો લાંચનો મામલો
ફ્રાંસના ભૂતપૂર્વ વડાપ્રધાન એદુઅર્દ બલાદૂર પર પાકિસ્તાન સાથે એક શસ્ત્ર સોદાના મામલામાં ટ્રાયલ ચાલશે. 1990માં થયેલી સબમરીનની ડીલમાં બલાદુર પર લાંચ લેવાનો આરોપ છે. બુધવારે પેરિસની એક અદાલતે 90 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાની અખબાર ડૉન પ્રમાણે, એદુઅર્દ બલાદુરની સાથે ફ્રાંસના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ફ્રાંસિસ લેટર્ડ પર પણ આ મામલામાં કેસ ચાલશે. 2017માં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પર આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો હતો. જેમા સત્તાના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમના પર આરોપ હતો કે 1993થી 1995ના સમયગાળામાં તેમણે દેશની કેટલીક સબમરીનોનું પાકિસ્તાનને વેચાણ કર્યું હતું, ત્યારે અદુઅર્દ બલાદુર જ ફ્રાંસના વડાપ્રધાન હતા.
અદાલતના ચુકાદા બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાને નિવેદન જાહેર કરીને ખુદને નિર્દોષ ગણાવ્યા છે. બંને નેતાઓ પર આરોપ એ પણ છે કે આ ડીલ દ્વારા જે લાંચ મળી હતી, તેમણે તેનો ઉપયોગ ત્યારની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં કર્યો હતો.
બંને નેતાઓ પર લગભગ 2 મિલિયન યુરો ડોલર (આજના સમયની કિંમત)ની લાંચ લેવાનો આરોપ છે. જેમાં 1995માં થયેલી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં લગભગ 10 મિલિયન ફ્રેન્ક કેશ લેવાનો આરોપ પણ છે. આ મામલાનો ખુલાસો 2002માં થયો હતો. જ્યારે પાકિસ્તાનમાં ફ્રાંસના એન્જિનિયરો પર હુમલો થયો હતો અને ફ્રાંસે ત્યાં તપાસ શરૂ કરી હતી. આની સાથે જોડાયેલા મામલાના તાર ખુલતા ગયા અને ભૂતપૂર્વ વડાપ્રધાન સુધી પહોંચ્યા હતા.
2002ના કરાચી હુમલામાં 11 એન્જિનિયરોની હત્યા કરવામાં આવી હતી. તેની પાછળ અલકાયદાના આતંકવાદીઓનું નામ આવ્યું હતું. આ હુમલાની પાછળના કારણમાં જણાવવામાં આવ્યું હતું કે ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાનની સાથે આ ડીલને બંધ કરવાનું એલાન કર્યું હતું. તેનો બદલો આતંકવાદીઓએ ફ્રાંસના નાગરીકોને મારીને લીધો હતો.