Site icon Revoi.in

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને મળ્યો ‘ફાલ્કન સ્લેયર્સ’ બેજ, તમતમી ઉઠ્યું પાકિસ્તાન

Social Share

વિંગ કમાન્ડર અભિનંદનની સ્કોડ્રનને ‘ફાલ્કન સ્લેયર્સ’નો બેજ મળવાથી પાકિસ્તાન તમતમી ગયું છે. હવે પાકિસ્તાન ભારત સાથે બેજ વૉર પર ઉતરી આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને પોતાની વાયુસેનાની સ્કોડ્રનને 27 ફેબ્રુઆરીની ડોગ-ફાઇટ સાથે જોડાયેલા બેજ જાહેર કર્યા છે, જેમાં તેણે ‘સરપ્રાઇઝ-ડે’ લખ્યું છે. સાથે જ બેજમાં ભારતના મિગ-21 બાયસન અને સુખોઈ લડાયક વિમાનોને પણ દર્શાવ્યા છે.

તેમાં પણ પાકિસ્તાનનું જૂઠાણું સામે આવી ગયું છે કારણકે 27 ફેબ્રુઆરીના રોજની ડોગફાઇટ દરમિયાન ભારતના તમામ સુખોઈ લડાયક વિમાનોએ પાકિસ્તાનના હવાઇ હુમલાને નિષ્ફળ કરી દીધો હતો. ત્યારબાદ તમામ સુરક્ષિત રીતે પોતાની સરહદમાં પાછા ફર્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદન જે મિગ-21 બાયસન પર સવાર હતા તે જ આ લડાઇ દરમિયાન ક્રેશ થયું હતું. તે ક્રેશ પણ ત્યારે થયું જ્યારે અભિનંદન પાકિસ્તાનની સરહદમાં દાખલ થઈ ગયા હતા.

તમને જણાવી દઇએ કે આ ફ્લાઇંગ-બેજ કોઈ અધિકૃત બેજ નથી હોતા જેને વાયુસેના જાહેર કરતી હોય. હકીકતમાં દરેક સ્કોડ્રન પોતાની લડાઇ કે પછી કોઇ ઓપરેશનમાં સામેલ થવાને લઇને આ પ્રકારનો બેજ અપનાવી લે છે. જરૂરી નથી કે આ બેજને પાયલટ હંમેશાં પોતાના જેકેટ પર લગાવીને રાખે. આ બહાદુરીના પ્રતીક હોય છે, એટલે ફાઈટર પાયલટ્સ તેને લડાયક વિમાન ઉડાવતી વખતે પોતાના જી-સૂટ પર ખભા પર અથવા તો છાતી પર લગાવે છે.