Site icon Revoi.in

માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન થયું ઉજાગર, પાકિસ્તાની સેનાની રાઈફલ કરાઈ જપ્ત

Social Share

માઓવાદીઓનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં એન્કાઉન્ટર બાદ માઓવાદીઓ પાસેથી જી-3 રાઈફલ સહીત અન્ય હથિયારો અને એમ્યુનેશન જપ્ત કર્યા છે.

માઓવાદીઓ પાસેથી જપ્ત થયેલી રાઈફલ પાકિસ્તાની સેનામાં વપરાય છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના કરતી નથી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂક જપ્ત થયા બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે. આ રાઈફલ જર્મનીના હેકલ એન્ડ કોચ કંપની દ્વારા બનાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદી સંગઠન માઓવાદીઓના સંપર્કમાં છે. તેમનો એજન્ડા ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડવાનો છે. પાકિસ્તાની સેના અને તેના આતંકી સંગઠન ખાલિસ્તાની આતંકવાદીઓ સહીત તેમની સાથે જોડાયેલા ભાગલાવાદી સંગઠનોને હથિયારો અને એમ્યુનેશન ગેરકાયદેસર રીતે ઉપલબ્ધ કરાવતા રહ્યા છે. માનવમાં આવે છે કે હવે પાકિસ્તાની સેના અને તેના આતંકવાદી સંગઠને માઓવાદીઓને આર્મ્સ અને એમ્યુનેશન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે.

છત્તીસગઢના ડીડીપી ડી. એમ. અવસ્થીએ પણ જણાવ્યું છે કે માઓવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી જી-3 રાઈફલનો ઉપયોગ ભારતીય સુરક્ષાદળ કરતા નથી. તેનો ઉપયોગ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવે છે. આ બીજી વખત છે કે જ્યારે માઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેના દ્વારા વાપરવામાં આવતી જી-3 રાઈફલ જપ્ત થઈ છે. આના પહેલા ગત વર્ષ છત્તીસગઢ પોલીસે સુકમામાં એન્કાઉન્ટર બાદ નક્સલીઓ પાસેથી જી-3 રાઈફલ જપ્ત કરી હતી.

ગત વર્ષ પુણે પોલીસે અર્બન નક્સલીઓના મામલામાં તપાસ દરમિયાન એક પત્ર જપ્ત કર્યો હતો. આ પત્ર સુધા ભારદ્વાજ દ્વારા કોમરેડ પ્રકાશને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં એક બેઠકમાં ભાગ લેનારાઓનો ઉલ્લેખ હતો. આ પત્રમાં કાશ્મીરી ભાગલાવાદીઓ અને તેમના સંગઠનોનો પણ ઉલ્લેખ હતો.

પત્રમાં લખવામાં આવ્યું હતું કે કોમરેડ અંકિત અને કોમરેડ નવલખા કાશ્મીરી ભાગલાવાદીઓના સંપર્કમાં છે. કાશ્મીરમાં દુશ્મનો દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાને સોશયલ મીડિયા અને મીડિયા દ્વારા ફેલાવવા જોઈએ.સુપ્રીમ કોર્ટમાં પેલેટ ગન મામલામાં કાયદાકીય મદદ આપવામાં આવશે. તેના માટે કોમરેડ પ્રશાંત સાથે સંપર્ક કરવો પડશે.

મીડિયા અહેવાલ મુજબ પુણે પોલીસના એક વરિષ્ઠ અધિકારી પણ ખુલાસો કરી ચુક્યા છે કે કેટલાક માઓવાદી કાશ્મીરની મુલાકાત લઈ ચુક્યા છે. આ માઓવાદીઓના કાશ્મીરના ભાગલાવાદીઓ અને આતંકવાદીઓ સાથે પણ મુલાકાત કરવાની આશંકા વ્યક્ત થઈ ચુકી છે. તેના સિવાય અર્બન માઓવાદીઓ દ્વારા ભાગલાવાદીઓ તથા તેમની સાથે જોડાયેલા લોકોને કાયદાકીય મદદ આપવાની પણ વાત સામે આવી ચુકી છે. આ તમામના બદલામાં માઓવાદીઓને આતંકવાદીઓ હથિયારો અને એમ્યુનેશન ઉપલબ્ધ કરાવશે.