જમ્મુ: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના દિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવવામાં આવે છે કે આ મહીનામાં પાકિસ્તાન દ્વારા ઘણી વખત શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. રાજૌરી જિલ્લામાં સોમવારે નિયંત્રણ રેખા પર સંઘર્ષવિરામના ઉલ્લંઘનની ઘટનામાં એક નાગરીક ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય સેનાએ કહ્યુ છે કે પાકિસ્તાને આ વર્ષે અત્યાર સુધીમાં 1248 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પોલીસે કહ્યું છે કે સોમવારે પાકિસ્તાની સેનાએ નૌશેરા સેક્ટરમાં અંકુશ રેખા નજીક અકારણ ભારતીય ઠેકાણઓને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. ઈજાગ્રસ્ત નાગરીકનું નામ રામસ્વરૂપ છે. ઈજાગ્રસ્તને નૌશેરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા 11 જૂને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની જવાનોએ અકારણ ફાયરિંગ કર્યું હતું અને તેમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવન્દ્ર આનંદે કહ્યુ છે કે આ ઘટના સાંજે બની હતી. આ ઘટનામાં લાન્સ નાયક મોહમ્મદ જાવેદ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા અને બાદમાં તેમનું નિધન થયું હતું. શહીદ જવાન બિહારના ખગડિયા જિલ્લાના વતની હતા.