ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પાંચ દિવસના સીબીઆઈ રિમાન્ડને કોર્ટે મંજૂરી આપી છે. સીબીઆઈ કોર્ટના નિર્ણય બાદ ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં રહેશે. સીબીઆઈએ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ આરોપી છે. સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમને પરિવાર સાથે મળવા માટે અડધો કલાકનો સમય પણ આપ્યો છે. આઈએનએક્સ કેસમાં સીબીઆઈ કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ચુકી છે. કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને અડધો કલાક એટલે કે 5-30 વાગ્યાની આસપાસ નિર્ણય જાહેર થવાનો હતો. પરંતુ સીબીઆઈ કોર્ટ દ્વારા 6-41 વાગ્યે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમની દર 48 કલાકે તબીબી તપાસ કરવામાં આવશે.
આ પહેલા કોર્ટમાં ચિદમ્બરમે કોર્ટમાં જણાવ્યું હતું કે મને મારા અને મારા પુત્રના બેંક ખાતા સંદર્ભે પુછવામાં આવ્યું હતું. ચિદમ્બરમે કહ્યુ છે કે મારું વિદેશમાં કોઈ બેંક ખાતું નથી. પુત્ર કાર્તિના વિદેશોમાં બેંક ખાતા છે. ચિદમ્બરમે કહ્યુ છે કે તેમણે તમામ સવાલોના જવાબ આપ્યા છે. તેમના પરના આરોપો પાયાવિહોણા છે.
સિંઘવીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા કહ્યુ કે રિમાન્ડ અમુક જ મામલામાં આપી શકાય છે. રિમાન્ડ ખાસ પરિસ્થિતિઓમાં આપી શકાય છે. આ મામલો પુરાવા સાથે છેડછાડનો નથી. સીબીઆઈએ પુરાવાના ટેમ્પરિંગનો ઉલ્લેખ કર્યો, મિટાવવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને સીબીઆઈએ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. બુધવારે રાત્રિથી નાટકીય અંદાજમાં સીબીઆઈએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. ગુરુવારે સીબીઆઈ હેડક્વોર્ટરમાં તેમની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી હતી. સીબીઆઈએ પી. ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીની માગણી કરી છે. રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ થયેલા ચિદમ્બરમે કોર્ટ રૂમ નાનો હોવા પર હેરાની વ્યક્ત કરી હતી. સીબીઆઈ કોર્ટના કટઘરામાં ઉભા રહેલા પી. ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યુ કે મને લાગ્યું મોટો કોર્ટ રૂમ મળશે.
સીબીઆઈએ ચિદમ્બરમની પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી છે. સીબીઆઈએ કહ્યુ છે કે ચિદમ્બરમ સવાલોથી બચી રહ્યા છે અને તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. જજે ચિદમ્બરમને બેસવા માટે જણાવ્યું છે. સીબીઆઈએ કોર્ટને કેસ ડાયરી સોંપી. ચિદમ્બરમનો આરોપી, સાક્ષીઓથી આમનો-સામનો થવો જરૂરી હોવાનું સીબીઆઈ તરફથી કોર્ટને જણાવ્યું છે. આઈએનએક્સ કેસ મની લોન્ડ્રિંગનું ઉદાહરણ હોવાનું પણ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે. સીબીઆઈનો દાવો છે કે ચિદમ્બરમ સામે નક્કર પુરાવા છે.
સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે. તેમણે દલીલ વખતે કહ્યુ છે કે આઈએનએક્સ મીડિયાએ ખોટી રીતે એફડીઆઈ વસૂલ કરી છે, જે એફઆઈપીબીના નિયમોનો ભંગ છે. ચિદમ્બરમના કારણે આઈએનએક્સ મીડિયાને ખોટી રીતે ફાયદો પહોંચ્યો, તેના પછી કંપનીએ બીજી કંપનીઓને પણ નાણાં આપ્યા છે. કોર્ટમાં સીબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું કે લગભગ પાંચ મિલિયન ડોલર કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલી કંપનીઓને આપવામાં આવ્યા. સીબીઆઈ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે ચિદમ્બરમે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ છે કે કોઈપણ વ્યક્તિનું ચુપ રહેવું તેનો અધિકાર છે. પરંતુ જાણીજોઈને સવાલોને ટાળવા ખોટું છે.
સીબીઆઈએ કહ્યુ છે કે ચિદમ્બરમની આવકનો સ્ત્રોત જાણવો જરૂરી છે. સીબીઆઈ કોર્ટમાં કિપલ સિબ્બલે પી. ચિદમ્બરમ તરફથી પક્ષ રજૂ કર્યો છે. સિબ્બલે કહ્યુ છે કે મુખ્ય આરોપી કાર્તિ ચિદમ્બરમ જામીન પર છે. કેસની તપાસ પુરી થઈ ચુકી છે. ચિદમ્બરમ પર આરોપ નથી. ચિદમ્બરમના રિમાન્ડ જરૂરી નથી. સિબ્બલે કહ્યુ છે કે ચિદમ્બરમને નિશાન બનાવાય રહ્યા છે. સીબીઆઈએ માત્ર 12 સવાલો પુછયા છે. ગઈકાલે રાત્રે કોઈ સવાલ પુછવામાં આવ્યો નથી. ચિદમ્બરમે હંમેશા તપાસમાં સહયોગ કર્યો છે. ડ્રાફ્ટ તૈયાર થઈ ચુક્યો છે.
પી. ચિદમ્બરમ તરફથી સીબીઆઈને કહેવામાં આવ્યું હતું કે તેમને સવારે એરેસ્ટ કરે. આજે સવારે ચિદમ્બરમને માત્ર 12 સવાલો પુછવામાં આવ્યા, રાત્રે કોઈ સવાલ પુછવામાં આવ્યો નથી. સિબ્બલે કહ્યુ છે કે જે આરોપ છે તે કાર્તિ ચિદમ્બરમ પર હતા, પી. ચિદમ્બરમ પર નહીં અને કાર્તિ હાલ જામીન પર છે. તેવામાં પી. ચિદમ્બરમને પણ જામીન આપો. શું સીબીઆઈએ અત્યાર સુધી ચિદમ્બરમને પેમેન્ટને લઈને કોઈ સવાલ પુછયા છે, સીબીઆઈ તેમના ઉપર ખોટા આરોપ લગાવી રહી છે.
સિબ્બલે કહ્યુ છે કે કાર્તિ ચિદમ્બરમને નિયમિત જામીન મળી રહ્યા છે. ભાસ્કર રમનને આગોતરા જામીન મળ્યા. આ બંનેને સીબીઆઈએ ક્યારેય ચેલેન્જ કર્યા નથી. દિલ્હી હાઈકોર્ટે આ બંનેને જામીન આપેલી છે. સિબ્બલે જામીનના આદેશની નકલ પણ અદાલતને સોંપી હતી.
સિબ્બલે તપાસ એજન્સીઓને લઈને કહ્યુ છે કે અમને ખબર છે કે કસ્ટડીમાં લીધા બાદ તેઓ શું કરશે. તેઓ પોતાની વાત મારા અસીલના મોંઢે કહેવડાવશે. ગત રાત્રે પણ તેમને સુવા દેવાયા નહીં. સવારે આઠ વાગ્યે તેઓ પૂછપરછ માટે તૈયાર હતા. પરંતુ સીબીઆઈએ 11 વાગ્યે પૂછપરછ શરૂ કરી હતી. 12 સવાલ પુછવામાં આવ્યા અને છના જવાબ આપ્યા છે. કોર્ટે સવાલ કરવો જોઈએ કે આખરે પી. ચિદમ્બરમને શું સવાલ પુછવામાં આવ્યા?
સિબ્બલે કહ્યુ છે કે ચિદમ્બરમનું વિદેશમાં કોઈ ખાતું નથી. સીબીઆઈના સવાલોની ચિદમ્બરમ સાથે કોઈ લેવાદેવા નથી. ચિદમ્બરમ તપાસથી ભાગી રહ્યા નથી અને પૂછપરછ માટે ચાહે ત્યારે તેમને પૂછપરછ માટે બોલવી શકે છે.
સિબ્બલ બાદ અભિષેક મનુ સિંઘવીએ ચિદમ્બરમ તરફથી કોર્ટમાં દલીલ કરી હતી. સિંઘવીએ કહ્યુ છે કે ચિદમ્બરમે માત્ર મંજૂરી આપી હતી. નિર્ણ છ લોકોએ મળીને કર્યો હતો. આઈએનએક્સ કેસ માત્ર એક ડાયરી પર આધારીત છે. આઈએનએક્સ કેસમાં કોઈ પુરાવા નથી. એક ડાયરી અને ઈન્દ્રાણીના નિવેદન પર કેસ આધારીત છે. સીબીઆઈ 14 માસ સુધી શું કરી રહી હતી? જૂન-2018માં પણ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નહીં. હવે સીબીઆઈ ધરપકડ માટે તરસી છે. સીબીઆઈ જણાવે ચિદમ્બરમ પર શું આરોપ છે?
ચિદમ્બરમના બચાવમાં સિંઘવીએ દલીલ કરી છે કે આ આખા મામલામાં સીબીઆઈનું વલણ ખોટું છે. તેમમે કહ્યુ છે કે સીબીઆઈ આટલી પરેશાન કેમ છે? 11 માસ સુધી સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા નથી. તેમણે કહ્યુ છેકે સીબીઆઈએ રિમાન્ડની માગણી કરી છે, પરંતુ આરોપ શું છે? તેને જણાવવામાં આવ્યું નથી. આ કેસમાં અન્ય કોઈની ધરપકડ થઈ નથી. FIPBના છ આરોપીઓ હજી સુધી એરેસ્ટ થયા નથી. સિંઘવીએ કહ્યુ છે કે નિર્ણયને મંજૂરી આપનારને આરોપી બનાવવામાં આવ્યા છે.
અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યુ છે કે સીબીઆઈનો આખો મામલો ઈન્દ્રાણી મુખર્જીના પુરાવા અને કેસ ડાયરી પર આધારીત છે. તેમણે કહ્યુ છે કે ચિદમ્બરમને માત્ર એક એપ્રૂવરના નિવેદન પર એરેસ્ટ કરવામાં આવ્યા છે. અપ્રૂવરનું નિવેદન સ્ટેટ્સ હોય છે, પુરાવો નહીં. સિંઘવીએ કહ્યુ છે કે જામીન રદ્દ કરવાના ત્રણેય આધાર ખોટા છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે ચિદમ્બરમને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલવાનો મોકો મળવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમને કોર્ટમાં બોલવાનો મોકો મળવા સંબંધિત સિંઘવીની રજૂઆત સામે વાંધો વ્યક્ત કર્યો છે.
રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ થતા પહેલા ચિદમ્બરમે પોતાના વકીલો સાથે વાતચીત કરી હતી અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી પૂછપરછને લઈને જાણકારી આપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાના આવ્યા બાદ અદાલતની કાર્યવાહી શરૂ થઈ હતી અને ચિદમ્બરમ કોર્ટમાં રજૂ થયા હતા.
રાઉજ એવન્યૂ કોર્ટ ખાતે પી. ચિદમ્બરમનો પરિવાર, વકીલોની સંપૂર્ણ ટીમ હાજર છે. વકીલોમાં અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ અને વિવેક તન્ખાનો સમાવેશ થાય છે. ચિદમ્બરમની પેશીને કારણે કોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે. 100થી વધારે સુરક્ષાકર્મીઓ અદાલત છે અને તેમના મોટાભાગના સાદી વર્દીમાં છે.
બુધવારે રાત્રે સીબીઆઈએ ચિદમ્બરમને તેમના ઘરેથી એરેસ્ટ કર્યા હતા. ગુરુવારે સીબીઆઈ હેડક્વોર્ટરમાં તેમની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કોર્ટમાં સીબીઆઈ દ્વારા ચિદમ્બરમની જ્યુડિશયલ કસ્ટડીની માગણી કરાઈ હતી.