નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે દેશના મુસ્લિમોને ભાજપની સત્તામાં વાપસીથી ડરવું જોઈએ નહીં. મુસ્લિમો દેશના હિસ્સેદાર છે, ભાડુઆત નથી. તેમને ધાર્મિક આઝાદીનો અધિકાર બંધારણ દ્વારા મળ્યો છે. જો મોદી મંદિરમાં જઈ શકે છે, તો મુસ્લિમો પણ મસ્જિદમાં જઈ શકે છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ શુક્રવારે મક્કા મસ્જિદમાં એક સભાને સંબોધિત કરી હતી.
ઓવૈસીએ કહ્યુ છે કે જો કોઈ એ સમજી રહ્યુ છે કે હિંદુસ્તાનના વઝીર-એ-આઝમ 300 બેઠકો જીતીને હિંદુસ્તાનમાં મનમાની કરશે, તો આ થઈ શકશે નહીં. વઝીર-એ-આઝમને એમ કહેવા માંગુ છું કે બંધારણને ટાંકીને અસદુદ્દીન ઓવૈસી તમારી સામે લડશે, નબળા લોકોના ન્યાયા માટે લડશે.
ઓવૈસીએ કહ્યુ છે કે હિંદુસ્તાનને આબાદ રાખવાનું છે, અમે હિંદુસ્તાનને આબાદ રાખીશું. અમે અહીં બરાબરના શહેરી છીએ, ભાડૂઆત નથી, ભાગીદાર રહીશું. મુલિમોના ધાર્મિક આઝાદીના અધિકાર પર ઓવૈસીએ કહ્યુ હતુ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર જઈ શકે છે, તો તમે પણ ગર્વથી મસ્જિદમાં જઈ શકો છો.
ઓવૈસીએ મુસ્લિમો અને દલિતોની વચ્ચે એકતા પર ભાર મૂકતા કહ્યુ છે કે તેમની પાર્ટી મુસ્લિમો, દલિતો અને વંચિતોના અધિકાર માટે લડતી રહેશે. પ્રકાશ આંબેડકરને પોતાના મોટાભાઈ ગણાવતા ઓવૈસીએ કહ્યુ છે કે મુસ્લિમો ને દલિતોની એકતાને કારણે જ મહારાષ્ટ્રની ઔરંગાબાદ બેઠક પર તેમની પાર્ટી એઆઈએમઆઈએમને જીત મળી છે.