Site icon Revoi.in

નહીં બદલાય મતગણતરીની પદ્ધતિ, ચૂંટણી પંચે વિપક્ષી દળોની પહેલા VVPAT મિલાનની માગણી ફગાવી

Social Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની ગુરુવારે સવારે થનારી મતગણતરી નિર્ધારીત પદ્ધતિ પ્રમાણે જ થશે. ચૂંટણી પંચે વિપક્ષી દળોને આંચકો આપતા પહેલા વીવીપીએટની ચબરખીઓની ઈવીએમ સાથે મેળવણી કરવાની માગણીને નામંજૂર કરી છે.

ઈવીએમ-વીવીપીએટીના મુદ્દા પર ચૂંટણી પંચે પોતાની મોટી બેઠક કરીને આના સંદર્ભે નિર્ણય કર્યો છે. આ બેઠકમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચૂંટણી કમિશનર અશોક લવાસા પણ હાજર રહ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઈ હતી કે જો ચૂંટણી પંચ વિપક્ષી દળોની માગણી પર સંમત થાય છે, તો મતગણતરીમાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા મંગળવારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી સહીતના 22 રાજકીય પક્ષોએ ચૂંટણી પંચના અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે 23મી મેએ મતગણતરી શરૂ થતા પહેલા કોઈપણ ક્રમાંકને પસંદ કર્યા વગર પોલિંગ સ્ટેશનો પર વીવીપીએટીની ચબરખીઓની તપાસ કરવામાં આવે.

બીજી તરફ ચૂંટણી પંચે નિવેદન જાહેર કરીને સ્ટ્રોંગરૂમ્સમાં રાખવામાં આવેલા ઈવીએમની સુરક્ષાને લઈને વ્યક્ત કરવામાં આવેલી તમામ આશંકાઓને ફગાવી દીધી છે.

વિપક્ષી દળોની માગણી છે કે જો કોઈ એક બૂથ પર પણ વીવીપીએટી ચબરખીઓની મેળવણી યોગ્ય હોવાનું જણાય નહીં, તે સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપીએટી ચબરખીઓની ગણતરી કરવામાં આવે અને તેનું ઈવીએમના પરિણામો સાથે મિલાન કરવામાં આવે.