Site icon Revoi.in

લોકસભાના નવા સ્પીકર બનનારા કોણ છે ઓમ બિરલા?

Social Share

રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. ભાજપે તેમનું નામ નિર્ધારીત કર્યું છે. ઓમ બિરલાનું નામ આના પહેલા રાષ્ટ્રીય રાજકારણમાં ક્યારેય ચર્ચામાં જોવા મળ્યું નથી. લોકસભા સ્પીકર પદ માટે તેમનું નામ નક્કી કરીને મોદી અને અમિત શાહની જોડીએ ફરીથી સૌને ચોંકાવ્યા છે.

માત્ર બે વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ બનાવીને ભાજપે સંદેશો આપ્યો છે કે મહત્વના પદો માટે માત્ર અનુભવ જ નહીં, પણ અન્ય સમીકરણો પણ મહત્વના છે. વડાપ્રધાન મોદીએ સોમવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં જ્યારે ગુણવત્તા, નિપુણતા અને તત્પરતા પર સૌને વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની વાત કહી હતી, ત્યારે પણ એ સંદેશ હતો કે વરિષ્ઠતા જ જવાબદારી સોંપવાનો એકમાત્ર માપદંડ નથી.

વૈશ્ય સમુદાયમાંથી આવતા અને માત્ર બે ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષ બનાવવા પાછળના કારણને લઈને ચર્ચા થઈ રહી છે. ઓમ બિરલાના ઓછા અનુભવના સવાલ પર કહેવામાં આવે છે કે તેઓ રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહ્યા છે. તે વખતે તેમણે લીકથી હટીને ઘણી પહેલ કરી હતી. 201માં ઘણી સંસદીય સમિતિઓમાં પણ તેઓ સામેલ હતા. આ સિવાય તેમની પ્રબંધન ક્ષમતા પણ સારી છે. મોટા નેતાઓ સાથે પણ સારા સંબંધો છે અને તેઓ ઊર્જાવાન છે. આ તમામ કારણોને લઈને તેમને લોકસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે વસુંધરા રાજે સાથે ઓમ બિરલાના સંબંધો સારા નહીં હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે.

રાજકીય કારકિર્દીની વાત કરીએ, તો 4 ડિસેમ્બર-1962ના રોજ જન્મેલા ઓમ બિરલા 2014માં 16મી લોકસભા ચૂંટણીમાં પહેલીવાર સાંસદ બન્યા અને 2019માં લોકસભાની ચૂંટણી ફરીથી તે જ બેઠક પરથી ચૂંટાયા છે. આ પહેલા 2003, 2008 અને 2013માં તેઓ કોટાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ કુલ ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં ઓમ બિરલાને ઘણી સમિતિઓમાં સ્થાન મળ્યું હતું. તેમણે પ્રાક્કલન સમિતિ, અરજી સમિતિ, ઊર્જા સંબંધિત સ્થાયી સમિતિ, સલાહકાર સમિતિના સદસ્ય તરીકે પણ કામગીરી કરી હતી. ઓમ બિરલા સહકારી સમિતિઓની ચૂંટણીમાં પણ રસ ધરાવે છે. 1992થી 1995 વચ્ચે તો રાષ્ટ્રીય સહકારી સંઘ લિમિટેડના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

કોટામાં સહકારી સમિતિઓમાં આજે પણ તેમનો ઘણો મોટો પ્રભાવ છે. પરિવારની વાત કરીએ તો તેમના પત્ની અમિતા બિરલા વ્યવસાયે તબીબ છે. તેમના પિતાનું નામ શ્રીકૃષ્ણ બિરલા અને માતાનું નામ શકુંતલા દેવી છે. તેમના બે પુત્રો અને બે પુત્રીઓ છે.

રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ પણ રહી ચુક્યા છે. તે વખતે તેમણે ગંભીર રોગોના શિકાર લોકોની સારવાર માટે 50 લાખ રૂપિયાની નાણાંકીય મદદ પ્રદાન કરી હતી. ઓગસ્ટ – 2004માં પૂરગ્રસ્તો માટે કામ કર્યું હતું. 2006માં ત્યારે ઓમ બિરલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર આઝાદી કે સ્વર – નામના કાર્યક્રમમાં પંદર હજારથી વધારે અધિકારીઓને સમ્માનિત કર્યા હતા. આ સમારંભ કોટા અને બુંદીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.