Site icon hindi.revoi.in

ફની વાવાઝોડાંને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ, ઓડિશામાં 8 લાખ લોકોને પહોંચાડ્યા સુરક્ષિત સ્થાન પર

Social Share

વાવાઝોડાં ફનીએ હવે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. તેના કારણએ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવાની ગતિ 175-205 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે ભારતના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહેલું ચક્રવાતી તોફાન ફની 3મેના રોજ પુરીના દક્ષિણમાં ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ઓડિશાના કિનારે પહોંચે તેવી શક્યતા છે. ઓડિશાના કેટલાક વિસ્તારોમાં યેલો અને કેટલીક જગ્યાઓએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

મંગળવારે વાવાઝોડું ફની અતિ ભયાનક તોફાનમાં પલટાયું હતું અને કાલ સુધીમાં તે ઓડિશાના કિનારાના વિસ્તારોમાં પુરી અને કેન્દ્રપારાની વચ્ચે પહોંચવાની શક્યતા છે. ભારતના હવામાન વિભાગે (imd) જણાવ્યું છે કે, ઓડિશાના કોસ્ટલ એરિયામાં ગોપાલપુર અને ચાંદબાલીની વચ્ચે ફની વાવાઝોડાંને કારણે ભૂસ્ખલન થઈ શકે છે.

પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જયપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ યુદ્ધના ધોરણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સરકારી અધિકારીઓ જણાવે છે કે, ઓડિશામાં આગામી 3 દિવસ સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આશરે 8 લાખ લોકોને ઘર ખાલી કરાવીને તેમનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

ઘર ખાલી કરાયેલ લોકોને આશરો આપવા માટે 900 સાયક્લોન શેલ્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ્સની ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 78 ટીમોને સ્થળ પર તહેનાત કરવાની વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 460 લાખ લોકોની વસ્તી ધરાવતા ઓડિશાએ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે મતદાન કરી દીધું છે.

વાવાઝોડું ફની ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના 19 જિલ્લાઓને અસર કરી શકે છે. ફનીની આશંકાએ રેલવેએ અત્યારસુધીમાં 103 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જે ટ્રેનો કેન્સલ થઈ છે તેમાં હાવડા-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, પટના-એર્નાકુલમ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ, હાવડા-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, ભુવનેશ્વર-રામેશ્વરમ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

રેલવેએ જણાવ્યું છે કે રદ કરવામાં આવેલી અથવા તો ડાયવર્ટ થયેલી ટ્રેનો માટે મુસાફરોને તેમના ટિકિટભાડાનું સંપૂર્ણ રિફન્ડ આપવામાં આવશે જો મુસાફરો તેમની ટિકિટ્સ મુસાફરીની નિર્ધારિત તારીખના 3 દિવસની અંદર રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓડિશામાં આવેલા તિતલી વાવાઝોડાંને કારણે 3 લાખ લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પૂર્વ અને દક્ષિણપૂર્વ ભારતમાં એપ્રિલ અને ડિસેમ્બર દરમિયાન નિયમિત વાવાઝોડાં આવે છે. 2017માં પણ ઓખી વાવાઝોડાંને કારણે તમિલનાડુ અને કેરળમાં 250 લોકોનાં મોત થયાં હતાં. ઓડિશાનું સૌથી ખરાબ વાવાઝોડું વર્ષ 1999માં આવ્યું હતું, જેમાં 10,000 લોકો મરાયા હતા.

Exit mobile version