Site icon Revoi.in

ઓડિશામાં ફોની વાવાઝોડાંએ દીધી દસ્તક, 175 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ

Social Share

ચક્રવાતી વાવાઝોડું ફોની આજે ઓડિશાના તટવર્તી વિસ્તારમાં ટકરાયું છે. તેના પછી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે, ચક્રવાતી વાવાઝોડાં ફોનીની ઓડિશાના દશ હજાર જેટલા ગામડાં પર અસર પડશે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રિલીફ કેમ્પની મુલાકાત કર્યા બાદ લોકોને તેમના મકાનોમાં રહેવાની અપીલ કરી છે.

ફોની વાવાઝોડાંને કારણે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજની પોતાની તમામ રેલીઓને રદ્દ કરી છે. જણાવવામાં આવે છે કે આ વાવાઝોડાંની અસર ઓડિશા સિવાય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે.

હવામાન વિભાગના અધિક મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ છે કે અમે દરેક કલાકે એલર્ટ જાહેર કરી રહ્યા છીએ. આ વાવાઝોડાંની ઝડપ 170-180 અથવા 200 કિલોમીટર પ્રતિ કલાકની હોવાની સંભાવના છે. ઓડિશામાં આઠ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની અસર છ કલાક સુધી રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હેલ્પલાઈન નંબર-1938 જાહેર કર્યો છે. આ નંબર પર કોલ કરીને મદદ માગી શકાય છે. હવામાન વિભાગે કહ્યું છે કે અત્યંત ભીષણ વાવાઝોડું ફોની 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પુરીમાં ઓડિશાના સમુદ્રતટ પર પહોંચ્યું છે. રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવાઝોડું પશ્ચિમ બંગાળ પહોંચશે.

ફોની વાવાઝોડાંની અસર પાંચથી છ કલાક સુધી રહેશે. હાલના સમયે 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાવાની સાથે ઘણાં સ્થાનો પર ભારે વરસાદ થઈ રહ્યો છે. પુરી સહીત ઘણાં જિલ્લામાં વીજળી કાપી નાખવામાં આવી છે અને 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જેને કારણે ઘમાં સ્થાનોમાં વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. કેટલાક લોકોને શેલ્ટર હોમમાં પણ રાખવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોની વાવાઝોડાંને લઈને બનેલી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ સતત અધિકારીઓના સંપર્કમાં છે. વાવાઝોડાંથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ફોની વાવાઝોડું સવારે આઠથી 11 વચ્ચે ઓડિશાના તટવર્તી વિસ્તારમાં દસ્તક આપે તેવી આગાહી પણ કરવામાં આવી હતી.

વાવાઝોડાંના આવતા પહેલા ઓડિશાની હોટલોમાંથી પર્યટકોને પણ બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી છે. આના માટે 50 બસોને લગાવવામાં આવી છે. ભુવનેશ્વરમાં અત્યાર સુધીમાં 5 સેન્ટિમીટર વરસાદ નોંધાયો છે.

ગૃહ મંત્રાલયને કહેવા મુજબ, ઓડિશા સરકારે એનસીએમસીને જાણકારી આપી છે કે 10 હજાર ગામ અને 52 શહેરો અને કસબાઓ વાવાઝોડાંથી પ્રભાવિત થશે. લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા માટે અને તેમને રાખવા માટે 900 જેટલા આશ્રય સ્થાન પહેલેથી તૈયાર કરવામાં આવ્યા છે.

ફોની વાવાઝોડાંને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાઈબાસામાં પાંચમી મેના રોજ યોજાનારી રેલીને એક દિવસ પહેલા જ ટાળી દીધી છે. પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં હવે વડાપ્રધાન મોદીની રેલી છઠ્ઠી મેના રોજ કરવામાં આવશે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ભારતીય સમુદ્રતટ નજીક ફોની વાવાઝોડાંની હાજરી નોંધી છે. નાસાના ઉપગ્રહો એક્વા અને ટેરાએ વાવાઝોડાં ફોનીની હાજરી નોંધી છે, જે ભારતના પૂર્વ તટની સાથે ઉત્તર તરફ આગળ વધી રહ્ય છે.

ફોનીના પુરીના દક્ષિણી ભાગ ચાંદબાલી અને ગોપાલપુરની વચ્ચે ઓડિશાના તટ પર ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પુરીમાં 100 કિલોમીટરની ઝડપે હવા ચાલી રહી હતી. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, ઓડિશામાં પુરીથી લગભગ 360 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમથી 190 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વ અને પશ્ચિમ બંગાળના દીધામાં 550 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ ખાતે ફોની વાવાઝોડું કેન્દ્રીત છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કોંગ્રેસી કાર્યકર્તાઓને બચાવ કાર્યમાં મદદની અપીલ કરી છે. હવામાન વિભાગે ઓડિશા સહીતના તમામ પ્રભાવિત વિસ્તારોમાં માછીમારોને દરિયો નહીં ખેડવાનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાલના દીધામાં વાવાઝોડાંને કારણ વરસાદ થઈ રહ્યો છે. પર્યટકોને તટવર્તી વિસ્તારને ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ઓડિશામાં ફોની વાવાઝોડાંની દસ્તક પહેલા હડકંપની સ્થિતિ હતી. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વાવાઝોડાંને કારણે રેલવેએ 223 ટ્રેનોને રદ્દ કરી છે. જો કે પર્યટકો માટે ત્રણ વિશેષ ટ્રેનો લગાવવામાં આવી છે. વાવાઝોડાંની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 81 ટુકડીઓને તેનાત કરવામાં આવી છે. ઓડિશા ખાતે વિશેષ 28 ટુકડીઓની તાતી કરવામાં આવી છે. તેની સાથે ઓડિશાના લગભગ 10 હજાર ગામડાંમાંથી અંદાજે 500 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવી છે.