મધ્યપ્રદેશ સરકારે સોમવારે કેબિનેટ મીટિંગમાં કર્મચારીઓ, પેન્શનર્સની સાથે ઓબીસી વર્ગ માટે બે મોટા નિર્ણયો લીધા છે. સરકારે એક જાન્યુઆરી, 2019થી 3% DAની મંજૂરી આપી છે, જેનો લાભ 7 લાખ કર્મચારીઓ તેમજ અધિકારીઓની સાથે 4.5 લાખ પેન્શનર્સને મળશે. બીજા નિર્ણયમાં સરકારે અન્ય પછાત વર્ગ માટે રાજ્યમાં 27 ટકા અનામતના પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે. ઓબીસી અનામતના મામલાને હવે મોનસૂન સત્રમાં રજૂ કરવામાં આવશે. ઓબીસી અનામતને વધારવાની જાહેરાત મુખ્યમંત્રી કમલનાથે ચૂંટણી પહેલા કરી હતી અને તેને વચનપત્રમાં પણ સામેલ કરવામાં આવી હતી.
એવામાં હવે સરકારમાં આવ્યા પછી એડમિનિસ્ટ્રેશને 8 માર્ચથી ઓબીસી અનામત 14થી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. તેનો અધ્યાદેશ પણ જાહેર કરવામાં આવ્યો, પરંતુ દસ દિવસ પછીથી જ આ નિર્ણયને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને 36 ટકા આરક્ષણ મળી રહ્યું છે. એવામાં હવે રાજ્ય સરકારને પોતાના તમામ વિભાગોમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવો પડશે.
મધ્યપ્રદેશ સરકાર તરફથી જાહેર નિવેદન પ્રમાણે, ‘સોમવારે થયેલી કેબિનેટની મીટિંગમાં મધ્યપ્રદેશ લોકસેવા (અનુસૂચિત જાતિ/જનજાતિ અને પછાત વર્ગ માટે અનામત) અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સનું અનુસમર્થન કર્યું છે, જે હેઠળ રાજ્યમાં અન્ય પછાત વર્ગ માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં અનામતમાં વૃદ્ધિ પછી હવે રાજ્યોના તમામ વિભાગોને પોતાના ભરતી નિયમોમાં ફેરફાર કરવો પડશે.’
ઉલ્લેખનીય છે કે તેની સાથે જ સરકારે આ મીટિંગમાં અન્ય ઘણા નિર્ણયો લીધા છે, જેમાં છતરપુર જિલ્લામાં હીરા ખાણની હરાજીને મંજૂરી, ઉજ્જૈનમાં ઉપક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના, તારામંડળના વિસ્તારની યોજના, છિંદવાડા અને જબલપુરમાં વિજ્ઞાનકેન્દ્ર, ભોપાલમાં સાયન્સ સિટી બનાવવાનો પ્રોજેક્ટ સામેલ છે. જ્યારે મુખ્યમંત્રી કમલનાથની કેબિનેટ મીટિંગમાં એવરેસ્ટ પર્વતારોહી ભાવના ડેહરિયા અને મેઘા પરમારનું સન્માન કરવામાં આવ્યું.