બળાત્કારના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ જાહેરમાં વિરોધ પ્રદર્શન કરનારી સિસ્ટર લુસી કલ્લપુરાએ કહ્યું છે કે તેમને આશંકા છે કે તેમની મંડળી દ્વારા તેમને પણ મારવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે તેઓ તેમને હટાવવાના તેમના આદેશોની અવગણના કરતા રહે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, નન અને ફ્રાંસિસ્કન પાદરી ધર્મસભા એટલે કે એફસીસીની વચ્ચે થયેલી બેઠકમાં નનને એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે તે બિશપની વિરુદ્ધ પોતાની પોલીસ ફરિયાદને પાછી ખેંચી લે અને તેમની જાહેરમાં માફી માંગે.
સિસ્ટર લુસીએ કહ્યું છે કે તેમનો આ મામલાને પાછો ખેંચવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ ન તો આ મામલો પાછો ખેંચશે. લુસીએ કહ્યું છે કે મંડળી જે પ્રકારે અપમાનિત કરી રહી છે, તેના માટે તેણે માફી માંગવી જોઈએ.
તાજેતરમાં મંડળી દ્વારા હકાલપટ્ટીના આદેશ બાદ સિસ્ટર લુસીએ પોતાના ભત્રીજાઓ પર પરિસરમાંથી કાઢવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ એમ પણ માને છે કે તેમના જીવને જોખમ પણ હોઈ શકે છે.
સિસ્ટર લુસીએ કહ્યું છે કે મને મારી નાખવામાં આવી શકે છે. મારે આમ પણ એક દિવસ મરવાનું છે. એક અકુદરતી હત્યા કદાચ મારા માટે નિયતિ છે. એફસીસી અને માનન્થવાદ્ય પ્રાંત આના માટે જવાબદાર હશે. હું અહીં હંમેશા માનન્થવાદ્યના મઠમાં રહીશ. મે પોલીસ સુરક્ષા પણ માગી છે, પરંતુ તેમણે હજી સુધી આના પર કંઈપણ કર્યું નથી.