દિલ્હી હાઇકોર્ટમાં દાખલ એક જનહિતની અરજીમાં રાજકીય દળોના નામોમાં ધાર્મિક અને જાતિગત શબ્દોના ઉપયોગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેના પર કોર્ટે કેન્દ્ર અને ચૂંટણીપંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. અરજીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM), ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), હિંદુ સેના જેવી પાર્ટીઓનો ઉલ્લેખ છે.
ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ અનુપ જે. ભંબાણીની ડિવિઝનલ બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. અરજી વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે. તેમાં જાતિ, ધર્મ અને ભાષા સાથે જોડાયેલા નામ રાખનારા અને રાષ્ટ્રીય ધ્વજ જેવા પ્રતીકોનો ઉપયોગ કરનારા રાજકીય દળોની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.
અરજકર્તાનું કહેવું છે કે દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે આ પગલું ભરવું જરૂરી છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો દળો 3 મહિનામાં પોતાનું નામ ન બદલે તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવવું જોઈએ. અરજી પર આગામી સુનાવણી 17 જુલાઈના રોજ થશે.
અરજકર્તાનો તર્ક છે કે ધર્મો સાથે જોડાયેલા નામ અથવા રાષ્ટ્રધ્વજ જેવા પ્રતીકોનો ઉપયોગ જનપ્રતિનિધિત્વ કાયદો (આરપીએ) 1951 હેઠળ ભ્રષ્ટ ગતિવિધિ બરાબર છે. સાથે જ તે ઉમેદવારોની સંભાવનાઓને પણ અસર કરી શકે છે. વકીલે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પર રાષ્ટ્રધ્વજ જેવા પ્રતીક ધ્વજનો ઉપયોગ કરવા પર પણ સવાલ ઉઠાવ્યા.