નવી સરકાર બની ગઈ છે, કેબિનેટની રચના થઈ ચુકી છે અને હવે સરકારે કામકાજ પણ શરૂ કરી દીધું છે. પંરતુ સંસદનું ગૃહ શરૂ થવાનું બાકી છે અને લોકસભામાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર માટે ચૂંટણી પણ હજી બાકી છે. તેવામાં બીજા અને ત્રીજા ક્રમાંકની પાર્ટીઓ અત્યારથી જ પોતાનો હક દર્શાવી રહી છે. મોદી સરકારના સાથીપક્ષ શિવસેનાએ પણ આ પદ પર દાવો કર્યો છે. શિવસેનાની માગણી છે કે આ પદ પર તેમનો અધિકાર છે અને તે તેમને મળવો જોઈએ.
શિવસેનામાંથી રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે ડેપ્યુટી સ્પીકર પદના મામલે કહ્યુ હતુ કે અમારી એ માગણી નથી, આ અમારો કુદરતી દાવો છે અને હક છે. આ પદ શિવસેનાને જ મળવું જોઈએ.
શિવસેનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે આ પદને લઈને ચર્ચા ચાલી રહી છે કે આ વખતે આ મોકો બીજેડી અથવા વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓને પણ મળી શકે છે. આના પહેલા એનડીએમાં ભાજપના સાથીપક્ષો પ્રધાનમંડળમાં હિસ્સાને લઈને નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તેના કારણે જેડીયુ તો સરકારમાં સામેલ જ થઈ નથી.
મહત્વપૂર્ણ છે કે હજી સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરના પદ માટે ચૂંટણી થઈ નથી. અહેવાલ છે કે આ વખતે ભારતી ય જનતા પાર્ટી તરફથી મેનકા ગાંધી, એસ. એસ. આહલુવાલિયા જેવા વરિષ્ઠ સાંસદોને લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટવામાં આવે તેવી શક્યતાઓ છે.
જણાવવામાં આવે છે કે 19 જૂને લોકસભાના સ્પીકરની ચૂંટણી થશે, તેના પહેલા 17 અને 18 જૂને પ્રોટેમ સ્પીકર તરફથી નવનિર્વાચિત સાંસદોને શપથ આપવામાં આવશે.
અહીં જો ડેપ્યુટી સ્પીકરના પદની ચૂંટણીની વાત કરીએ, તો અત્યાર સુધી આના પર કોઈ ચર્ચા સામે આવી નથી. પરંતુ મોટાભાગે ડેપ્યુટી સ્પીકર વિપક્ષી પાર્ટીઓમાંથી જ ચૂંટવામાં આવે છે, જેમાં વિપક્ષી દળો પરસ્પર સંમતિથી આ પદની ચૂંટણી કરે છે.
જો કે ગત સરકારમાં આ પરંપરાને બદલવામાં આવી હતી. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ડેપ્યુટી સ્પીકરનું પદ એઆઈએડીએમકના એમ. થંબીદુરઈ પાસે હતું. ત્યારે વિપક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર પ્રત્યે એઆઈએડીએણકેનુ વલણ નરમ છે, તેના કારણે તેમને આ પદ આપવામાં આવ્યું હતું.
લોકસભાની હાલની સ્થિતિ
ભાજપ – 303
કોંગ્રેસ – 52
ડીએમકે – 23
વાયએસઆર કોંગ્રેસ – 22
ટીએમસી – 22
શિવસેના – 18
જેડીયુ – 16
બીજેડી – 12