પશ્ચિમ બંગાળમાં હિંસાનો તબક્કો યથાવત છે. તેની વચ્ચે 24 પરગણાના ભાટપારા પોલીસ સ્ટેશન હેઠળ અલગ-અલગ સ્થાનો પર 50 બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે. આ બાબત બેરકપુરના ડીસી ઝોન-1 અજય ઠાકુરે જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે વિસ્તારમાં સ્થિતિ હવે સામાન્ય છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસો પહેલા ભાજપના કાર્યકર્તાઓની હત્યા બાદ ભાટપારામાં હિંસા ભડકી ઉઠી હતી.
ગત ગુરુવારે થયેલી હિંસા દરમિયાન પોલીસ ગોળીબારમાં ભાટપારાના બે લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતા. વહીવટી તંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાં કલમ-144 લાગુ કરી હતી. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે ભાટપારામાં શાંતિ બહાલીમાં નિષ્ફળ રહેવાને લઈને પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા હતા.
દિલીપ ઘોષે બાંકુડાના પત્રસાયરમાં એક કિશોર અને બે અન્ય લોકોને ગોળી વાગવાથી ઘાયલ થવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. વિસ્તારમાં શનિવારે થયેલા ઘર્ષણમાં જ્યારે ટીએમસીના નેતા અને રાજ્યના પ્રધન શુભેન્દુ અધિકારીની રેલીમાંથી પાછા ફરી રહેલા ટીએમસીના કાર્યકર્તાઓને જોઈને ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રીરામના સૂત્રો પોકાર્યા હતા, ત્યારે વાતાવરણ તંગ બન્યું હતું.
દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે ટીએમસી અથવા તો લડાઈનો સહારો લઈ રહી છે અથવા અન્યોની હત્યા કરી રહી છે. પોલીસે સ્થાનિક લોકોને પરેશાન કરવામાં બદમાશોની મદદ કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે અને તેના કારણે હિંસા થઈ રહી હોવાનો દાવો પણ કર્યો છે.
ભાજપના નેતાએ જણાવ્યુ છે કે જ્યારે પોલીસ આમ આદમી અને સમગ્ર સમાજ અસુરક્ષિત છે, ત્યારે તેવામાં કોઈ માટે પણ સામાન્ય જીવન જીવવું કઠિન બની જશે. ભાટપારા બેરકપુર સંસદીય વિસ્તારમાં આવે છે. 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો ઘોષિત થયા બાદથી આ વિસ્તાર તણાવગ્રસ્ત છે.