Site icon Revoi.in

SCO શિખર સંમેલનમાં પીએમ મોદીની પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે મુલાકાત નહીં થાય

Social Share

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે એસસીઓ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન વચ્ચે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદની ભારત મુલાકાત બાદ અટકળો શરૂ થઈ હતી કે એસસીઓ સમિટ દરમિયાન બંને દેશના વડાપ્રધાનોની મુલાકાત થવાની સંભાવના છે. આ મહીને 13થી 14 જૂન દરમિયાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું શિખર સંમેલન થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી સામેલ થવાના છે. આ પહેલા પીએમ મોદી પોતાના બીજા કાર્યકાળ પહેલા વિદેશ પ્રવાસ હેઠળ આઠમી અને નવમી જૂને માલદીવ જવાના છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ છે કે બિશ્કેકમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન વચ્ચે બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવની ભારત મુલાકાત પર તેમણે કહ્યુ છે કે આ તેમની વ્યક્તિગત મુલાકાત હતી અને તેમની સાથે કોઈ બેઠક થઈ નથી. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની વિદેશ સચિવ સોહેલ મહમૂદે બુધવારે દિલ્હીની જામા મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી હતી. તેમણે ખુદ પોતાની ભારત મુલાકાતને અંગત પ્રવાસ ગણાવ્યો હતો.

રવીશ કુમારે કરતારપુર કોરિડોર મામલે કહ્યુ છે કે ભારત તેના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ છે કે અમે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી કમિટીમાં પાકિસ્તાન દ્વારા વિવાદીત તત્વોની નિયુક્તિના રિપોર્ટ્સ પર તેનું સ્પષ્ટીકરણ માંગ્યુ છે. તેના સિવાય પાછલી બેઠકમાં અમે પાકિસ્તાન પાસેથી કેટલાક મહત્વના પ્રસ્તાવો પર સ્પષ્ટીકરણ માંગ્યું હતું. અમે જવાબની રાહ જોઈ રહ્યા છીએ. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન કોરિડોરનું કામ જોવા માટે જે કમિટી બનાવવામાં આવી છે, તેમાં ઘણાં ખાલિસ્તાની ભાગલાવાદીઓ પણ સામેલ કરવામાં આવ્યા છે.

રવીશ કુમારે ઈરાન સાથે ઓઈલ આયાતના મામલે કહ્યુ છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે, તે વ્યાવસાયિક, ઊર્જા સુરક્ષા અને આપણા રાષ્ટ્રીય હિતો પર આધારીત હશે. તેમણે તેની સાથે જ કહ્યુ છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાતમી અને આઠમી જૂને ભૂટાનની મુલાકાતે જશે.