- નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
- આજે નવી સરકારનો પહેલો દિવસ
- નવગઠિત કેબિનેટની બેઠક યોજાશે
- વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરના રોજ યોજાશે
- નીતીશ કુમાર સિવાય 14 નેતાઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા હતા
પટના: બિહારના તમામ મંત્રીઓએ શપથ લીધા બાદ હવે નવી કેબિનેટની બેઠક આજે યોજાશે. નવી સરકારનો આ પહેલો દિવસ હશે. જયારે વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરના રોજ યોજાશે. રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં નીતીશ કુમાર સિવાય 14 નેતાઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા હતા.
નીતીશ કુમારે સોમવારે બિહારના મુખ્યમંત્રી પદના સાતમી વખત શપથ ગ્રહણ કર્યા હતા. રાજભવન ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતીશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે ભાજપના સાત મંત્રીઓ, જેડીયુના પાંચ મંત્રીઓ અને ‘હમ’ પાર્ટી તથા વીઆઈપી પાર્ટીના એક-એક મંત્રીઓએ શપથ લીધા હતા.
ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને કટિહારના ધારાસભ્ય તારકિશોર પ્રસાદ અને ઉપનેતા અને બેતિયાના ધારાસભ્ય રેણુ દેવીએ પણ શપથ લીધા હતા. તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે ટવિટ કરીને નીતીશ કુમારને પુન:બિહારના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી અને મંત્રી પદના શપથ લીધેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ વખતે નીતીશ મંત્રીમંડળનો દેખાવ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ભાજપના વધુ મંત્રીઓએ શપથ લીધા હતા અને બે ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં ભાજપને 74 બેઠકો મળી હતી, જયારે જેડીયુને મળેલી 43 બેઠકો કરતાં 31 બેઠકો વધુ છે.
_Devanshi