ઈમ્ફાલ: મણિપુરના તેંગ્નૌપલ જિલ્લામાં ભારત-મ્યાંમાર બોર્ડર નજીકના મોરેહ શહેરથી નવ રોહિંગ્યાને નકલી આધાર કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે શનિવારે આના સંદર્ભે જાણકારી આપી છે.
એસપી વિક્રમજીતે કહ્યુ છે કે ગુપ્ત માહિતીના આધારે પોલીસે નકલી આધાર કાર્ડ રાખવાના આરોપમાં 27મી મેના રોજ તેંગ્નોપલ ચોકીથી બે મહિલાઓ સહીત ચાર રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. એસપીએ કહ્યુ છે કે પોલીસે 28મી મેના રોજ મોરેહ શહેરમાં એક હોટલ પરથી ત્રણ મહિલાઓ સહીત પાંચ અન્ય રોહિંગ્યાની ધરપકડ કરી હતી.
તેમણે કહ્યુ છે કે તપાસમાં ખુલાસો થયો છે કે તાહિર અલી એક રોહિંગ્યા છે અને તેણે સ્થાનિક મણિપુરી મહિલા સાથે લગ્ન કર્યા અને તે આ વિદેશીઓને ગેરકાયદેસર રીતે દેશની અંદર લાવવાની વ્યવસ્થામાં સામેલ હતો.
પોલીસે કહ્યું છે કે તાહિર અલીને શુક્રવારે થૌબલ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તાહિરને બાદ કરતા બાકીના નકલી આધારકાર્ડ લઈને રાજ્યના પાટનગરથી સીમાવર્તી શહેરમાં આવ્યા હતા.
એસપીએ કહ્યુ છે કે ધરપકડ કરાયેલા રોહિંગ્યા હિંદી અથવા અંગ્રેજી બોલી શકતા નથી અને તેને કારણે વાતચીત કરવામાં મુશ્કેલી થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે તેઓ ભારતની અંદર કેવી રીતે ઘૂસ્યા અને નકલી આધારકાર્ડ તેને કેવી રીતે મળ્યા, આના સંદર્ભે જાણકારી એકઠી કરાઈ રહી છે.