Site icon Revoi.in

ટેરર ફંડિંગ કેસ: મસરત આલમ, શબ્બીર શાહ, આસિયા અંદ્રાબીની પૂછપરછ કરશે NIA

Social Share

નવી દિલ્હી: ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએને ભાગલાવાદીઓ મશરત આલમ, શબ્બીર શાહ અને દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીની પૂછપરછની મંજૂરી મળી ગઈ છે. હવે આ ત્રણેય ભાગલાવાદીઓની એનઆઈએ 10 દિવસ સુધી પૂછપરછ કરશે. એનઆઈએએ ત્રણેયને એકસાથે બેસાડીને પૂછપરછ કરવાની મંજૂરી માંગી હતી.

મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મશરત આલમ, શબ્બીર શાહ અને આસિયા અંદ્રાબીને રજૂ કરવામાં આવ્યા હતા. એનઆઈએ ત્રણેય આરોપીઓને એકસાથે બેસાડીને પૂછપરછ કરવા ચાહે છે. તેના માટે એનઆઈએએ ત્રણેય આરોપીઓને 15 દિવસના રિમાન્ડ પર લેવાની અપીલ કરી હતી.

એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મશરત આલમ કાશ્મીર ખીણના સગીરોને પથ્થરબાજીની ટ્રેનિંગ આપતો હતો. મશરત આલમની જેમ આસિયા અંદ્રાબી સગીર બાળકીઓને ભડકાવતી હતી અને તેમને સુરક્ષાદળો પર પથ્થરમારો કરવાની ટ્રેનિંગ આપતી હતી. શબ્બીર શાહ આ બંનેને નાણાં ઉપલબ્ધ કરાવતો હતો.

તે વખતે મશરત આલમના વકીલે કહ્યુ હતુ કે તેમના અસીલની ઈદ  બાદ પૂછપરછ કરવામાં આવે. તેને ઈદ મનાવવાની રજા આપવામાં આવે. કોર્ટે આ દલીલને નામંજૂર કરતા ત્રણેયને દશ દિવસ માટે એનઆઈએના રિમાન્ડ પર મોકલ્યા છે. એનઆઈએ ત્રણેય આરોપીઓને પથ્થરમારા માટે ફંડિંગ્સ અને તેની પાસેથી સિસ્ટમ સંદર્ભે જાણકારી પ્રાપ્ત કરવા માંગે છે.

મશરત આલમને ભાગલાવાદી હુર્રિયતના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિકટવર્તી માનવામાં આવે છે. 2008 અને 2010માં કાશ્મીર ખીણમાં સુરક્ષાદળો વિરુદ્ધ પથ્થરમારાની તબક્કાવાર ઘટનાઓની આગેવાની પણ ભાગલાવાદી કાશ્મીરી મશરત આલમે કરી હતી. તેના ઉપર યુદ્ધ છેડવા સિવાય ડઝનબંધ મામલા નોંધાયેલા છે. 2008ના અમરનાથ જમીન આંદોલન દરમિયાન લગભગ 100 યુવક પથ્થરબાજી દરમિયાન માર્યા ગયા હતા. મસરત આલમ પથ્થરબાજીની ઘટનાઓનો માસ્ટરમાઈન્ડ હતો. તેને અત્યાર સુધીમાં 17 વખત એરેસ્ટ કરવામાં આવ્યો છે.

હુર્રિયત કોન્ફરન્સની મહિલા વિંગ દુખ્તરાને મિલ્લતની ચીફ આસિયા અંદ્રાબી એક કુખ્યાત ભાગલાવાદી નેતા છે. 28 ઓગસ્ટ-2010ના રોજ આસિયાને દેશમાં ગેરકાયદેસર ગતિવિધિઓને પોત્સાહિત કરવી, હિંસા ફેલાવવી અને દેશની વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપમાં એરેસ્ટ કરવામાં આવી હતી.

6 જુલાઈ-2018ના રોજ એનઆઈએએ આસિયા અંદ્રાબીને દેશદ્રોહના આરોપમાં એરેસ્ટ કરી હતી. આસિયા સાથે તેની બે સહયોગીઓ નાહિદા નસરીન અને સોફી ફહમીદાની પણ ધરપકડ કરવામાં આવી હતી.