1. Home
  2. revoinews
  3. રાજ્યના જળાશયોમાં નવા પાણીની આવકઃ 22 ડેમ છલકાયાં
રાજ્યના જળાશયોમાં નવા પાણીની આવકઃ 22 ડેમ છલકાયાં

રાજ્યના જળાશયોમાં નવા પાણીની આવકઃ 22 ડેમ છલકાયાં

0
  • 206 જળાશયોમાં 48 ટકા પાણીનો સંગ્રહ
  • નર્મદા ડેમમાં 55 ટકાથી વધારે પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે ત્યારે જળાશયોમાં નવા જળની આવક થઈ છે. રાજ્યના જળાશયોમાં હાલ 48 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 206 જળાશયો પૈકી 22 જળાશયો છલકાયાં છે. તેમજ સૌરાષ્ટ્રના જળાશયોમાં 51.74 ટકા અને કચ્છના જળાશયોમાં 37.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે રાજ્યના 206 જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. અષાઢી મહિનામાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં 51 ટકા અને દક્ષિણ ગુજરાતમાં જળાશયોમાં 49 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 19 અને કચ્છના 3 ડેમ મળીને કુલ 22 જળાશયો છલકાયાં છે. રાજ્યના જળાશયોમાં 25226 એમસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા સામે 12294.6 એમસીએમ પાણીનો સંગ્રહ થઈ ચુક્યો છે. હજુ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાતમાં આવેલા કુલ 15 ડેમમાં 26.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આવી જ રીતે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.96, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 46.90, કચ્છના 20 જળાશયોમાં 37.44, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 51.74 અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 55.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આમ રાજ્યના જળાશયોમાં 48 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઈ હોય તેમ દક્ષિણ ગુજરાતની જગ્યાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલા 160 જેટલા જળાશયોમાં નવા પાણીની જંગી આવક થતા વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.