Site icon Revoi.in

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધારે અઘરું બનશે, સિટિઝન ટેસ્ટમાં કરાયો ફેરફાર

Social Share

મુંબઇ: જો કોઇ વ્યક્તિએ હવે અમેરિકાની નાગરિકતા મેળવવી હશે તો હવે વધુ મહેનત કરવી પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા તેની સિવિક્સ ટેસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જે લોકો અમેરિકન સિટિઝનશિપ મેળવવા ઇચ્છે છે તેમના માટે આ ટેસ્ટ ફરજીયાત છે. USCIS પ્રમાણે જે લોકોએ 1 ડિસેમ્બર 2020 કે તેના પછી અરજી કરી હશે તેમના માટે ઓલર ટેસ્ટનું નવું વર્ઝન હશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે નવી ટેસ્ટમાં એવા પ્રશ્નો વધારે હશે જેનાથી અરજી કરનાર વ્યક્તિ અમેરિકાના ઇતિહાસ અને નાગરિકશાસ્ત્રની વધારે સમજ હોય. આ ઉપરાંત એવા મુદ્દાઓની વિવિધતા હશે જેનાથી અરજી કરનારને અમેરિકા વિશે વધારે જાણવાની તક મળશે. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો અનુસાર આ ટેસ્ટ વધારે અઘરી હશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં જન્મેલા લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં બીજું સૌથી મોટું ગ્રૂપ છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ સમાપ્ત થયેલા 12 મહિનાના સમયગાળા દરમિયાન 61,843 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું જે આ સમયગાળા દરમિયાન નાગરિકત્વ મેળવનારા લોકોની કુલ સંખ્યાના 7.5 ટકા છે. તેના આગલા વર્ષે 52,194 લોકોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું જે 6.85 ટકા હતું.

નવી ટેસ્ટ વિશે વાત કરીએ તો પાસિંગ સ્કોરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 60 ટકા યથાવત્ રહેશે. પાસ થવા માટે અરજીકર્તાએ 20માંથી 12 પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત રહેશે. 60 ટકા સાચા જવાબોનો માપદંડ યથાવત્ છે. પરંતુ નવા 128 પ્રશ્નોનો અભ્યાસ કરવો તે જૂના 100 પ્રશ્નોના અભ્યાસ કરતા વધારે કપરું રહેશે. 20માંથી 12નો સ્કોર કરવો તે 10માંથી 6ના સ્કોર કરતા વધારે અઘરો રહેશે.

આ અંગે USCISના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોએ કહ્યું કે USCIS નવી ટેસ્ટ પર કામ કરવાને લઇને આનંદ અનુભવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક બની રહે તે માટે અમે એડલ્ડ એજ્યુકેશન ક્ષેત્રના નિષ્ણાતોના મત લીધા છે.

(સંકેત)