નવી દિલ્હી : દિલ્હીમાં રાંધણગેસના વપરાશકારો માટે સરકારે મોટી રાહત આપી છે. સબસિડી વગરના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 100.50 રૂપિયાનો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત પહેલી જુલાઈથી લાગુ થઈ રહી છે. ઓઈલ કંપનીઓ તરફથી આ ઘટાડો વપરાશકારોને મોટી રાહત છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી જાહેર કરી છે. પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે ડોમેસ્ટિક એલપીજીની કિંમતમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. તેવામાં વપરાશકારોને હવે 494.35 રૂપિયામાં સબસિડી સાથે સિલિન્ડર મળશે.
સબસિડી વગરના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના બજાર મૂલ્યમાં ઘટાડો થવાની સાથે જ સબસિડીયુક્ત ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર માટે પણ રિફિલ લેતી વખતે 100.50 રૂપિયા ઓછા આપવા પડશે. સબસિડીયુક્ત સિલિન્ડરને ડોમેસ્ટિક વપરાશકારોને પહેલી જુલાઈથી રિફિલ પ્રાપ્ત થવા પર 737.50 રૂપિયાના સ્થાને 637 રૂપિયાની ચુકવણી કરવી પડશે. તેવામાં વપરાશકારોને સબસિડી બાદ 494.35 રૂપિયા ચુકવીને ગેસ સિલિન્ડર લેવા પડશે. બાકીની રકમ કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીના(142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડર) રૂપમાં આપવામાં આવે છે.