કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સાથીપક્ષ પી. સી. જોર્જે દાવો કર્યો છે કે રાજ્યમાંથી કોંગ્રેસના છ સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સાથે સંપર્કમાં છે અને ત્યાં પક્ષપલાટની સંભાવના છે.
કોંગ્રેસે પૂંજર ક્ષેત્રમાંથી ધારાસભ્યના આ દાવાને નામંજૂર કર્યો છે અને તેમને અતિશયોક્તિપૂર્ણ દાવા કરનારા ગણાવતા કહ્યુ છે કે તેઓ માત્ર મીડિયાનું ધ્યાન ખેંચવા માટે આવી નિવેદનબાજી કરે છે.
જોર્જની કેરળ જનપક્ષમ સેક્યુલર પાર્ટી તાજેતરમાં રાજ્યમાં ભજાપના નેતૃત્વવાળા એનડીઓનો હિસ્સો બની છે. તેમણે એવા સમયે આ દાવો કર્યો છે કે જ્યારે કર્ણાટક અને ગોવામાં પોતાના ધારાસભ્યોના પક્ષપલટાથી કોંગ્રેસને મોટા રાજકીય આંચકા મળ્યા છે.
પોતાની પાર્ટીની પ્રદેશ કમિટીની બેઠક બાદ કોટ્ટાયમમાં જોર્જે પત્રકારોને કહ્યુ છે કે મને ખબર પડી છે કે રાજ્યમાં કોંગ્રેસના છ સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભજાપના કેન્દ્રીય નેતૃત્વની સાથે વાતચીત કરી રહ્યા છે.
હાલ તેમણે આના સંદર્ભે વધુ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે. બાદમાં પીટીઆઈ દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ છે કે આ વાતચીત સંદર્ભે તેઓ વિસ્તૃત જાણકારી આપી શકે તેમ નથી. પંરતુ તેમણે દાવો કર્યો છે કે કેરળમાં કોંગ્રેસના ખેમામાંથી ભાજપમાં લોકો જશે. જોર્જે કહ્યુ છે કે તેમનો દાવો નજીકના ભવિષ્યમાં સાચો સાબિત થશે.
તેમના દાવાને રદિયો આપતા કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ વી. ડી. સતીસને ક્હ્યુ છે કે કોઈપણ જોર્જને ગંભીરતાથી લેતું નથી, કારણ કે તેઓ વધારે પડતું બોલે છે.
સતીસને જણાવ્યુ છે કે કેરળથી કોઈ કોંગ્રેસી નેતા ભાજપમાં સામેલ થશે નહીં.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં કોંગ્રેસના 13 ધારાસભ્યો બળવાખોર થઈ ચુક્યા છે. જેના કારણે કુમારસ્વામીની સરકાર પર સંકટ આવ્યું છે. તેના સિવાય જેડીએસના પણ ત્રણ ધારાસભ્યો બળવાખોર થઈ ચુક્યા છે. આ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. હાલ આ બળવાખોર ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે. તો બીજી તરફ કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસ મતના પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે.