ભાજપે લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી છે. ભાજપની આગેવાનીવાળા એનડીએનું આગામી લક્ષ્યાંક હવે રાજ્યસભામાં બહુમતી પ્રાપ્ત કરવાનું છે. આશા રાખવામાં આવે છે કે નવેમ્બર-2020 સુધી એનડીએનું આ સપનું પણ પુરું થઈ જશે. રાજ્યસભામાં કુલ 245 સાંસદો હોય છે. એનડીએ પાસે હાલ 102 સાંસદ છે. બહુમતી માટે રાજ્યસભામાં એનડીએને 123થી વધારે સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. એટલે કે 21 સાંસદો હજીપણ રાજ્યસભામાં બહુમતી માટે ખૂટી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીઓની પાસે 66 અને બંને ગઠબંધનોની બહાર રહેલા પક્ષો પાસે 66 સાંસદો છે.
એનડીએ નવેમ્બર-2020 સુધી 14 રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓથી વધુ 21 સાંસદો પોતાની સાથે જોડી લેશે. રાજ્યોમાંથી એનડીએને નવા 16 સાંસદો મળે તેવી શક્યતા છે. જોકે એનડીએ પાંચ બેઠકો તેમ છતાં પાછળ રહી જશે. ત્યારે જગનમોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસનું સમર્થન મેળવીને ભાજપ આ બહુમતીનો આંકડો પાર કરી લેશે. આગામી વર્ષે નવેમ્બરમાં યુપીમાં ખાલી પડનારી રાજ્યસભાની 10માંથી મોટાભાગની બેઠકો એનડીએ જીતશે. આમાની નવ બેઠકો હાલ વિપક્ષો પાસે છે. જેમાં છ બેઠકો સમાજવાદી પાર્ટી, બે બેઠકો બીએસપી અને એક બેઠક કોંગ્રેસની પાસે છે.
હાલ રાજ્યસભામાં NDAની બેઠકોની સ્થિતિ
પક્ષ બેઠક
ભાજપ 73
એઆઈએડીએમકે 13
જેડીયુ 06
અકાલી દળ 03
શિવસેના 03
નોમિનેટેડ 03
આરપીઆઈ 01
રાજ્યસભામાં એનડીએને કેવી રીતે મળશે બહુમતી?
યુપી વિધાનસભામાં ભાજપના 309 ધારાસભ્યો છે. જ્યારે સપાના 48, બસપાના 19 અને કોંગ્રેસના સાત ધારાસભ્યો યુપી વિધાનસભામાં છે. આગામી વર્ષ સુધીમાં ભાજપને આસામ, અરુણચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશમાં બેઠકો મળશે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામો પણ એનડીએની બેઠકોની સંખ્યા પર અસર કરશે. જો કે આસામની બે બેઠકોની ચૂંટણીની ઘોષણા થઈ ચુકી છે. જ્યરે ત્રણ અન્ય બેઠકો આગામી વર્ષ સુધીમાં ખાલી થઈ જશે. બે બેઠકો આગામી મહીને આસામમાં ખાલી થઈ જશે અને છ બેઠકો આ વર્ષે જુલાઈમાં તમિલનાડુમાં ખાલી થઈ જશે.
આગામી વર્ષે એપ્રિલમાં 55 બેઠકો ખાલી થશે, પાંચ જૂનમાં, એક જુલાઈમાં અને 11 નવેમ્બરમાં ખાલી થવાની છે. એનડીએને હાલ સ્વપ્ન દાસગુપ્તા, મેરીકૉમ, નરેન્દ્ર જાધવ અને ત્રણ સ્વતંત્ર સાંસદોનો ટેકો પ્રાપ્ત છે. 2020ની શરૂઆતમાં યુપીએ દ્વારા મનોનીત કેટીએસ તુલસી રિટાયર થશે. તો એનડીએને તેમના સ્થાને પોતાની પસંદના એક સાંસદને મનોનીત કરવાનો પણ અવસર મળી જશે.
બીજેડી અને ટીઆરએસ બંનેએ ભાજપ અને કોંગ્રેસથી સમાનપણે અંતર જાળવ્યું છે. પરંતુ બંનેએ ગત વર્ષ રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે સત્તાપક્ષના ઉમેદવાર હરિવંશને ટેકો આપ્યો હતો.
રાજ્યસભામાં બહુમતી મળ્યા બાદ મોદી સરકાર માટે ઘણાં અટવાયેલા બિલો પારીત કરાવવાના છે. ગત પાંચ વર્ષો દરમિયાન વિપક્ષના વિરોધને કારણે આ મહત્વના બિલો આગળ વધી શક્યા નથી. બહુમતી આવ્યા બાદ ટ્રિપલ તલાક બિલ, મોટર વાહન એક્ટ, સિટીઝનશિપ બિલ, ભૂમિ સંપાદન બિલ અને આધાર બિલના પારીત થવાની પુરી આશા છે. જો ભાજપ રાજ્યસભામાં વર્ષ બાદ બહુમતી પ્રાપ્ત કરી લે, તો પહેલીવાર તેને લોકસભાની સાથે રાજ્યસભામાં પણ બહુમતી મળશે.