Site icon Revoi.in

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 15 સુરક્ષાકર્મીઓ શહીદ

Social Share

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ બુધવારે બે મોટી ઘટનાઓને અંજામ આપ્યો. અહીંયા પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષાકર્મીઓના વાહનને આઇઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધા. તેમાં 15 જવાન શહીદ થઈ ગયા. સ્થળ પર હાલ ગોળીબાર ચાલી રહ્યો છે. આ પહેલા નક્સલીઓએ નજીકના વિસ્તાર કુરખેડામાં જ રોડ કન્સ્ટ્રક્શનમાં લાગેલા 36 વાહનોને આગ લગાવી દીધી હતી.

જે કમાન્ડો શહીદ થયા, તેઓ સી-60 ફોર્સના છે. સી-60 ફોર્સ 1990થી ગઢચિરોલીમાં તહેનાત છે. આ ફોર્સને નક્સલ વિરોધી અભિયાનો માટે જ તૈયાર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે મારી સહાનૂભૂતિ શહીદોના પરિવારની સાથે છે. હું ગઢચિરોલીના ડીજીપી અને એસપી સાથે સતત સંપર્કમાં છું.

મળતી માહિતી પ્રમાણે, નક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેંકર્સમાં આગ લગાવી. આ સાથે જ નક્સલીઓએ કુરખેડા-કોરચી માર્ગ પર ઝાડ કાપીને રસ્તા બંધ કરી દીધા હતા અને બેનર-પોસ્ટર્સ લગાવી દીધા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં આશરે 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.