Site icon Revoi.in

‘કોંગ્રેસમાં ‘કોમેડી’ બાકી છે દોસ્ત’!, સિદ્ધૂ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદની રેસમાં

Social Share

કેપ્ટન અમરિન્દરસિંહના કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ ક્રિકેટના ખેલાડીમાંથી રાજનીતિના ખેલાડી બનવા માટે કમર કસી રહેલા નવજોતસિંહ સિદ્ધૂ હવે પંજાબથી દિલ્હી આવી રહ્યા હોવાના સંકેત છે. સિદ્ધૂનું નામ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદ માટે ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં શિલા દિક્ષિતના નિધન બાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પદ ખાલી છે. પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ સામે સીધી લડાઈમાં સિદ્ધૂની એક રીતે હાર થઈ છે. તેના કારણે સિદ્ધૂએ અમરિન્દરના કેબિનેટમાંથી વિભાગ બદલાતા રાજીનામું આપી દીધું હતું. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરે સિદ્ધૂનું રાજીનામું પણ સ્વીકારી લીધું હતું.

પંજાબમાં નવરા થયેલા સિદ્ધૂને હવે દિલ્હીમાં કોંગ્રેસની મોટી જવાબદારી મળે તેવી સંભાવના છે. શિલા દિક્ષિતના નિધન બાદ દિલ્હીમાં કોંગ્રેસનો કોઈ સર્વમાન્ય ચહેરો નથી કે જેના પર તમામ કાર્યકર્તા સંમત હોય. તેવામા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઊર્જાવાન નેતાની તલાશ છે અને તે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તથા ભાજપના દિલ્હી પ્રદેશ એકમના પ્રમઉખ મનોજ તિવારીનો મુકાબલો કરી શકે.

આ સિવાય સિદ્ધૂની દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થાય છે, તો તેની પાછળ કોંગ્રેસના દિલ્હી ખાતેના પરંપરાગત વોટર શીખ અને પંજાબી સમુદાયને પણ કોંગ્રેસ પોતાની સાથે જોડી રાખવાનું રાજકીય ગણિત ધરાવતી હોવાનું પણ માનવામાં આવે છે.