Site icon Revoi.in

નવી મુંબઈમાં પુલના થાંભલા પર આઈએસઆઈએસના વખાણથી ભરેલો મેસેજ, હાઈએલર્ટ થયું જાહેર

Social Share

નવી મુંબઈના ઉરાન વિસ્તારમાં એક પુલના થાંભલા પર આતંકવાદી સંગઠન આઈએસના ટેકામાં સંદેશ લખેલો મળી આવતા હાઈ લેવલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર એટીએસ આના સંદર્ભે વધુ સતર્ક થયું છે અને નવી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં લાગી ગઈ છે.

નવી મુંબઈના ઉરાનમાં આવેલા ખોપ્ટેબ્રિજમાં મેસેજ મળી આવ્યો છે અને આ વિસ્તાર રાયગઢ જિલ્લામાં આવે છે. પોલીસે આસપાસની સડકો પર લગાવવામાં આવલા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. નવી મુંબઈના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ છે કે એક અલગ ટીમ અને નવી મુંબઈ ક્રાઈમ બ્રાંચ મામલાની તપાસ કરી રહી છે. બ્રિજની પાસે ઘણી મહત્વની સંસ્થા છે. માટે આવા સંદેશની અણદેખી કરી શકાય નહીં.

બ્રિજના થાંભલા પર લખેલા સંદેશામાં આઈએસના આતંકવાદીઓના વખાણ કરવામાં આવ્યા છે. સંદેશમાં હાફીઝ સઈદનું પણ નામ લખવામાં આવ્યું છે અને આઈએસ માટે લડનારા અબુ બકર અને અલ બગદાદીની પણ પ્રશંસા કરવામાં આવી છે. તેની સાથે એક વિશિષ્ટ સ્થાનને લક્ષ્ય દર્શાવીને એક રોક્ટની તસવીર પણ સંદેશની સાથે છે. ઉરાન વિસ્તારમાં આવેલા મહત્વના પ્રતિષ્ઠાનોમાં ઓએનજીસી, આર્મરી સ્ટેશન, પાવર સ્ટેશન અને જેએનપીટીનો સમાવેશ થાય છે. તેવામાં પોલીસ કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. આ કારણ છે કે દરેક પાસાથી મામલાની તપાસ થઈ રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે બની શકે કે કોઈ સ્થાનિકે શરારત કરતા ખુદ જ આમ લખ્યું હોય, પરંતુ આને હળવાશથી લઈ શકાય નહીં. જ્યાં આ સંદેશ મળી આવ્યો છે, તે સ્થાન વિશેષ પર સીસીટીવી કેમેરા નથી. આસપાસના લોકોના નિવેદન લેવાઈ રહ્યા છે કે તેમનામાંથી કોઈએ આ હરકત કરતા કોઈને જોયો તો નથી ને.