- કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને PM મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી
- આ બેઠકમાં કોરોના વાયરસના સંકટ અને વેક્સીન વિતરણ અંગે થઇ ચર્ચા
- વેક્સીનને લઇને આગામી થોડાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે – PM મોદી
નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને શુક્રવારે પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આગામી સમયમાં વેક્સીનના વિતરણને લઇને આ બેઠકમાં ચર્ચા થઇ હતી. બેઠક પૂર્ણ થયા બાદ PM મોદીએ જણાવ્યું હતું કે, હજુ 8 વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. PM મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઇને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતા જ તેના પર કામ શરૂ થઇ જશે.
પીએમ મોદીએ બેઠક બાદ એવા સંકેતો આપ્યા હતા કે કોરોના વેક્સીન પહેલા વૃદ્વો, કોરોના વોરિયર્સને મળી શકે છે. હાલ 8 વેક્સીન છે જે ટ્રાયલના ચરણમાં છે. એવી આશા છે કે આગામી થોડાક સપ્તાહમાં વેક્સીનને લઇને સારા સમાચાર મળી શકે છે. ભારત એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે.
Speaking at the All Party Meeting. https://t.co/TZaJ5DJBXz
— Narendra Modi (@narendramodi) December 4, 2020
PM મોદીએ ઉમેર્યું હતું કે , કેન્દ્ર સરકાર મોટા સ્તરે વેક્સીન વિતરણને લઇને કામગીરી કરી રહી છે, જે રાજ્ય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે. સરકારે એક નેશનલ એક્સપર્ટ ગ્રૂપ બનાવ્યું છે. જેમની ભલામણો મુજબ જ કામ થશે. વેક્સીનની કિંમત નિર્ધારિત થશે. તેની પર કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્તપણે નિર્ણય લેશે. કિંમત પર નિર્ણય લોકોને ધ્યાનમાં લઇને લેવામાં આવશે અને રાજ્યોની તેમા સહભાગિતા હશે.
સરકાર હાલમાં દરેક પાસેથી સૂચનો આવકારી રહી છે અને તે મુજબ આગળ વધી રહી છે. વેક્સીનને લઇને કોઇ પ્રકારની અફવા ના ફેલાય તે જરૂરી છે. એવામાં પાર્ટીઓએ જાગૃત થવું જોઇએ.
આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ બેઠકમાં સામેલ થયા હતા.
(સંકેત)