Site icon hindi.revoi.in

શાહીનબાગ પર સુપ્રીમનો ચૂકાદો, જાહેર સ્થળે અનિશ્વિત સમય સુધી પ્રદર્શન થઇ શકે નહીં

Social Share

નવી દિલ્હી:  શાહીન બાગમાં CAAના વિરોધમાં રસ્તો બ્લોક કરીને કરવામાં આવેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રકારના પ્રદર્શનને અયોગ્ય ગણાવ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું  કે પ્રશાસને આ મામલે કાર્યવાહી કરવી જોઇતી હતી, જે તેમણે નથી કરી.

કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે જાહેર સ્થળ પર અનિશ્વિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. ધરણા પ્રદર્શનનો અધિકાર એક જગ્યાએ છે પરંતુ અંગ્રેજોના રાજવાળી હરકત અત્યારે કરવી એ યોગ્ય નથી. ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય તેવો કોર્ટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

શાહીન બાગ પરથી પ્રદર્શનકારીઓને હટાવ્યા બાદ અંદાજે 7 મહિના બાદ આપેલા ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન અને વિરોધમાં લોકોનો વિચાર છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર થતી ચર્ચાથી પણ ભાવનાઓ વધઉ તેજ બની જાય છે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોતાની વાત વ્યક્ત કરી પરંતુ મુખ્ય રસ્તાને લાંબા સમય સુધી રોકી રાખવો અયોગ્ય છે.

ન્યાયાધીશ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, “સંવિધાનના અનુચ્છેદ 19 1(a) હેઠળ પોતાની વાત કહેવા અને 19 1(b) હેઠળ કોઈ પણ મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે. પરંતુ આ અધિકારની પણ મર્યાદાઓ છે. સાર્વજનિક જગ્યાએ અનિશ્ચિતકાળ સુધી બ્લોક કે ધરણા કરી શકાય નહીં. તેનાથી અન્ય લોકોને અવર-જવર કરવામાં હાલાકી ભોગવવી પડી શકે છે. એવી સ્થિતિમાં તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે પણ કાર્યવાહી થવી જોઈતી હતી પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.

(સંકેત)

 

Exit mobile version