Site icon hindi.revoi.in

એક્શન મોડમાં અમિત શાહ, આંતરીક સુરક્ષા પર ડોભાલ, રૉ-આઈબી ચીફ સાથે કરી બેઠક

Social Share

નવી દિલ્હી: ગૃહ પ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ સતત ભાજપના અધ્યક્ષ અમિત શાહ એક્શન મોડમા છે. આંતરીક સુરક્ષા મામલે આજે એટલે કે સોમવારે અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી અને રૉ ચીફ, ગૃહ સચિવ સહીત ઘણાં અધિકારીઓ સાથે બેઠક કરી છે. બાદમાં અમિત શાહ તમામ અર્ધલશ્કરી દળોના મહાનિદેશકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે.

ગૃહ પ્રધાન અમિત શાહ આજે પેરામિલિટ્રી ફોર્સિસની રિવ્યૂ મીટિંગ પણ કરવાના છે. તમામ અર્ધલશ્કરી દળોના મહાનિદેશકો સાથે તેઓ અલગ-અલગ મુલાકાત કરશે. બીએસએફના મહાનિદેશક સાથે અમિત શાહે ભારત અને પાકિસ્તાનની બોર્ડર તથા ભારત-બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલી વર્તમાન પરિસ્થિતિની જાણકારી પ્રાપ્ત કરી હતી. બાદમાં સીઆરપીએફના મહાનિદેશક સાથે ગૃહ પ્રધાન કાશ્મીર, અમરનાથ યાત્રા અને આંતરીક સુરક્ષા મામલે જાણકારી મેળવશે.

બીએસએફ અને સીઆરપીએફના મહાનિદશેકોની સાથે બેઠક કર્યા બાદ અમિત શાહ આઈટીબીપીના મહાનિદેશક સાથે પણ બેઠક કરવાના છે અને તેમા ભારત-ચીન સરહદ સાથે સંકળાયેલી માહિતી મેળવશે.

આ સિવાય ભારત અને નેપાળ બોર્ડરની યથાસ્થિતિની જાણકારી માટે અમિત શાહ એસએસબીના મહાનિદેશક સાથે પણ બેઠક કરશે.

અમિત શાહે સોમવારે જ આંતરીક સુરક્ષાના મામલા પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહીત ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી છે.

ગૃહ પ્રધાનનો ચાર્જ લીધા બાદથી અમિત શાહ સતત એક્શનમાં છે. રવિવારે અમિત શાહે નેશનલ મેમોરિયલ પહોંચીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. બાદમાં તેમણે મ્યુઝિયમનું નિરીક્ષણ પણ કર્યું હતુ. શનિવારે અમિત શાહે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ગૃહ સચિવ રાજીવ ગૌબા સિવાય મંત્રાલયના તમામ 19 ડિવિઝિન્સના જોઈન્ટ સેક્રેટરીઝે સફળતાઓ અને પડકારો બાબતે અમિત શાહને જાણકારી આપી હતી.

તાજેતરમાં ગૃહ મંત્રાલયનો ચાર્જ ગ્રહણ કર્યા બાદ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે આજે ભારતના ગૃહ પ્રધાન તરીકે પદભાર ગ્રહણ કર્યો. મારા પર વિશ્વાસ પ્રગટ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. દેશની સુરક્ષા અને દેશવાસીઓનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, મોદીજીના નેતૃત્વમાં આને પૂર્ણ કરવાની દરેક શક્ય કોશિશ કરીશ.

Exit mobile version