Site icon hindi.revoi.in

બિહાર ચૂંટણી 2020: બીજા ચરણમાં 94 બેઠકો પર 54 % મતદાન, મહિલાઓમાં મતદાન પ્રત્યે જોવા મળ્યો ઉત્સાહ

Social Share

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા ચરણમાં 54 ટકા મતદાન થયું હતું. 17 જીલ્લાઓમાં 94 વિધાનસભા બેઠકોના દરેક બૂથો પર મતદારો ઉત્સાહમાં જોવા મળ્યા હતા. મહિલાઓમાં મતદાનને લઇને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન દરમિયાન બિહારના સૂચના તેમજ જનસંપર્ક મંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા નીરજ કુમારે તેજસ્વી યાદવ વિરુદ્વ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. નીરજે મુખ્ય ચૂંટણી અધિકારી એચઆર શ્રીનિવાસ સાથે મુલાકાત કરીને તેજસ્વી પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના પુત્રવધુ અને તેજ પ્રતાપ યાદવના પત્ની એશ્વર્યા રાયને છપરામાં પોતાના પિતા ચંદ્રિયા રાય સાથે મતદાન કર્યું હતું. પટણામાં બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ મતદાન કર્યું હતું.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા ચરણની 94 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. ચૂંટણીમાં 54 ટકા મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સાંજે 6 વાગ્યા સુધી બૂથ પર કતારમાં ઊભેલા મતદારોને મતદાન માટે અનુમતિ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે સમાજના દરેક વર્ગનો વિકાસ કર્યો છે. જો વધુ એક તક આપવામાં આવશે તો અનેક મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સમાજમાં વિકાસથી વંચિત રહેલા સમુદાયને મુખ્ય ધારામાં જોડીને તેમનો વિકાસ કરવાનું કામ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, આ વખતે કોવિડ-19ની ગાઇડલાઇન્સ હેઠળ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ સેનેટાઇઝ કરવા જેવા દરેક નિયમોનું પાલન કરીને મતદાન કર્યું હતું.

(સંકેત)

Exit mobile version