Site icon hindi.revoi.in

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ

Social Share

આજે 24મી ઑગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati language day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીઓને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. પીએમ મોદી પહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

શા માટે ઉજવાય છે આ દિવસ

આજના દિવસને એટલે કે 24 ઑગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની પાછળનું કારણ ખાસ છે. આજે આપણી ગુજરાતી ભાષાના કવિ નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે કવિ નર્મદનો જન્મદિવસ છે. આ દિવસને તેમના જન્મદિવસના અવસરે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પીએમ મોદીએ ગુજરાતીમાં શુભેચ્છાઓ પાઠવી

આ અવસરે શુભેચ્છાઓ પાઠવતા પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું કે ‘ વીર નર્મદ એટલે એક આર્ષદ્રષ્ટા સર્જક, તત્ત્વજ્ઞાની, સામાજિક ન્યાયના પ્રણેતા, અને ખુમારીવાળા કવિ. “અર્વાચીનમાં આદ્ય” ગણાતા કવિ નર્મદે “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પોતાની નિર્ભકતા અને સર્જકતાનો પરિચય કરાવ્યો હતો. સમાજસુધારક કવિ નર્મદની જન્મજયંતિ નિમિતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.’

ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે ‘ ગુજરાતે પુરા વિશ્વને મહાત્મા ગાંધીનો ‘શાંતિનો સંદેશ’ અને સરદાર પટેલનું ‘લોખંડી નેતૃત્વ’ આપ્યું છે. આજે “વિશ્વ ગુજરાતી દિવસ” પર હું સહુ ગુજરાતીઓને શુભકામનાઓ આપું છું અને વિશ્વાસ વ્યક્ત કરૂ છું કે, ગુજરાતી સમાજ ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં નિરંતર કટીબધ્ધ રહેશે.’

(સંકેત)

Exit mobile version