
IIT દિલ્હીના સંશોધકોએ નવી કોરોના ટેસ્ટિંગ કિટ બનાવી, માત્ર 3 કલાકમાં મળશે પરિણામ
- IIT દિલ્હીના સંશોધકોએ કોરોના ટેસ્ટિંગ માટે કિટ વિકસાવી
- આ કિટ થકી માત્ર 650 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ
- આ કિટથી માત્ર 3 કલાકમાં મળી જશે પરિણામ
સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને કોરોના ટેસ્ટ કરાવવાનો ચાર્જ પણ ખાનગી લેબમાં અનેકગણો વધારે છે ત્યારે IITના સંશોધકોએ કોરોના ટેસ્ટ કરવા માટે કિટ ડેવલપ કરી છે. આ કિટ થકી માત્ર 650 રૂપિયામાં ટેસ્ટિંગ થઇ શકશે. આ કિટ માત્ર 3 કલાકમાં જ પરિણામ આપી દેશે.
દિલ્હી સ્થિત IITના પ્રોફેસરોની એક મોટી ટીમે આ કિટનું નિર્માણ કર્યું છે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે આ કિટનું ઓનલાઇન લોન્ચિંગ કર્યું હતું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ કિટના આવિષ્કારના પગલે કોરોનાના ટેસ્ટિંગ માટેની ક્ષમતા તેમજ વિશ્વસનિયતામાં વધારો થશે. ICMRએ આ કિટને ઉત્કૃષ્ટ ગણાવી છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ સંશોધન મહત્વનું પગલું કહી શકાય.
આ કિટને ટૂંક સમયમાં માર્કેટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ માટે IIT દિલ્હીએ એક કંપની સાથે ભાગીદારી પણ કરી છે. આ ભાગીદારીથી મોટા પાયે તેનું ઉત્પાદન હાથ ધરી શકાશે. સરકારી હોસ્પિટલોમાં આઇઆઇટી દ્વારા આ કિટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.
(સંકેત)