Site icon Revoi.in

ભારતીય નૌસેનાએ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, જાહેર કર્યો વીડિયો

Social Share

નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ દેશની સૈન્ય ક્ષમતાનો પરચો આપ્યો છે. હકીકતમાં, ભારતીય નૌસેનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. નૌસેનાએ આ ટેસ્ટ અરબ સાગરમાં પોતાના જંગી યુદ્વ જહાજ INS ચેન્નાઇની મદદથી કર્યો હતો. આ જંગી યુદ્વ જહાજથી બ્રહ્મોસ મિસાઇલને લક્ષ્ય પર છોડવામાં આવી હતી. હવે ભારતીય નૌસેનાએ આ પરીક્ષણનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો પરથી આપણે શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતાનો અંદાજ લગાવી શકીએ છીએ.

આ પરીક્ષણમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલે પોતાના ટાર્ગેટને પૂરી ચોકસાઇથી તોડી પાડ્યું. તેનાથી ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો થયો છે. એક એન્ટિ શિપ મિસાઇલને જંગી યુદ્વ જહાજોમાં સુરક્ષા માટે લગાવવાની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે.

ભારતીય નૌસેનાએ સપાટીથી સપાટી પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એક અન્ય સંસ્કરણનું પણ પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસ મિસાઇલ એટલી શક્તિશાળી છે કે તેનાથી વિમાનવાહક યુદ્ધ જહાજોને પણ ક્ષણભરમાં નષ્ટ કરી શકાય છે. આક્રમક હોવાની સાથે જ બ્રહ્મોસ ખૂબ તેજ પણ છે. આ મિસાઇલ ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી વધુ ઝડપથી પોતાનું લક્ષ્ય ભેદી શકે છે.

નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે.

(સંકેત)