
- PM મોદી દ્વારા ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’નો 2014માં થયો હતો પ્રારંભ
- યોજના હેઠળ અમદાવાદ-ગાંધીનગર જીલ્લાના આ ગામોની થશે કાયાપલટ
- સાણંદ તાલુકાના માણકોલ, મોડાસરની યોજના હેઠળ કરાશે કાયાપલટ
- કલોલ તાલુકાના બિલેશ્વરપુરા, ગાંધીનગર તાલુકાનું રૂપાલ ગામ બનશે આધુનિક
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામની 'સાંસદ આદર્શ ગ્રામ યોજના' માટે પસંદ કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટેનું બીડું ઝડપવામાં આવ્યું.
11 ઓક્ટોબર ૨૦૧૪ના રોજ શ્રી જયપ્રકાશ નારાયણજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “સાંસદ આદર્શ ગ્રામ યોજના'ની શરૂઆત કરવામાં આવી હતી.
સાણંદ તાલુકાનું માણકોલ ગામ નળસરોવર રોડ પર આવેલ પ્રથમ ગામ હોવાથી તે નળ સરોવરનું 'પ્રવેશદ્વાર' ગણાય છે. માણકોલ ગામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈનું વતન હોવાથી ખૂબ જ મહત્વ ધરાવે છે.
સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે. આ પાંડવકાલીન ગામમાં અત્રિ કષિ દ્વારા બાણ મારીને બાણગંગા તળાવ અસ્તિત્વમાં આવ્યાની તથા તપોબળ દ્વારા અત્રેશ્વર મહાદેવ ની સ્થાપના કર્યાની વાયકા પ્રચલિત છે.
રૂપાલ ગામ સમગ્ર વિશ્વમાં ત્યાં યોજાતી પલ્લી યાત્રા માટે આગવી ખ્યાતિ ધરાવે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૩ કી.મી ના અંતરે સ્થિત રૂપાલ ગામ ખાતે વિશ્વવિખ્યાત વરદાયીની માતાનું પવિત્ર મંદિર સ્થિત છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે.
સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત રામનગર, બિલેશ્વરપુરા, રૂપાલ, મોડાસર અને માણકોલ ગામની પશ્ચાદભૂમિને અને સ્થાનિક રીતે તેમના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તમામ માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક સુવિધા ઉપલબ્ધ બને અને આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે માનનીય સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા મક્કમ અને સાતત્યપૂર્ણ પગલાં લેવાઇ રહ્યાં છે.
આ યોજના અંતર્ગત પ્રત્યેક સાંસદ દ્વારા પોતાના લોકસભા ક્ષેત્રમાંથી પસંદ કરેલા ગામડાના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેમાં જુદી-જુદી સરકારી યોજનાઓનો આ ગામડાઓમાં અમલ કરીને તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદર્શ ગામ તરીકે વિકસાવવામાં આવે છે.આ પ્રક્રિયા અન્વયે ભૌતિક-માળખાગત સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ,આરોગ્ય સુવિધાઓ,પોતાના ઘરના ઘરથી વંચિત નાગરિકો માટે પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતોનો સમાવેશ થાય છે.
આ હેતુસર સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું માણકોલ ગામ નળસરોવર રોડ પર આવેલ પ્રથમ ગામ હોવાથી તે નળ સરોવરનું “પ્રવેશદ્વાર ગણાય છે. ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલા વસેલું આ માણકોલ ગામ સાણંદથી ૧૮ કી.મી. ના અંતરે સ્થિત છે અને ૫૮૬૨ ની વસ્તી ધરાવે છે. માણકોલ ગામ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈનું વતન હોવાથી ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા.અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક થઈ હતી.
નળ સરોવર અને સાણંદ શહેર ને જોડતું આ ગામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મીની વેપારી મથક તરીકે પ્રચલિત છે.આ ગામમાં નવરાત્રીનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. અહીં સ્થિત માં બુટભવાનીના મંદિરે ત્રીજા નોરતે આયોજિત થતાં નવચંડી યજ્ઞમાં હજારો ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ મેળવે છે.
આ ઉપરાંત સાણંદ તાલુકામાંથી પસંદ કરાયેલું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે. મોડાસર ગામ સાણંદ થી ૧૦ કિમી.ના અંતરે આવેલ છે અને 2019 ની સ્થિતિએ 5410 લોકોની વસ્તી ધરાવે છે.
આ પાંડવકાલીન ગામમાં લોકવાયકા મુજબ અત્રિમુનિશ્રી દ્વારા તપોબળથી શિવલિંગ ઉત્પન્ન થયેલ છે. જે અત્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. આ અત્રિમુનીશ્રી દ્વારા કરાઇ રહેલા તપ દરમ્યાન કષિશ્રી ને તરસ લાગતાં તેના માટે માતા અનસૂયા દ્વારા આજુબાજુમાં પાણીની શોધ કરવા છતાં પાણી પ્રાપ્ય ન થતાં અત્રિમુનિશ્રીએ તે જગ્યાએ બાણથી પ્રહાર કરતાં પાણીનો સ્ત્રોત તીર આકારે ઉત્પન્ન થયેલ જે બાણગંગા તળાવના નામથી પ્રચલિત છે. સાણંદ- બાવળા પંથકમાં આ તળાવમાં સ્નાનનું અને ચૈત્રી પૂનમના મેળાનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. અહી દર વર્ષે ચૈત્ર સુદ - અગિયારસથી પુનમ સુધી પાંચ દિવસનો મેળો ભરાય છે. તેમાં પૂનમના દિવસે ભગવાન શિવજીનો વરઘોડો (માંડવી) પણ નીકળે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લે છે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના કલોલ તાલુકાના પસંદ કરેલ બિલેશ્વરપુરા ગામ કલોલ થી ૦૮ કિમી.ના અંતરે આવેલ છે, આ ગામનું નામ ગામમાં સ્થિત સ્વ્યંભુ શિવલીગ બિલેશ્વર મહાદેવ પરથી આવેલ છે. બિલેશ્વરપૂરા ગામમાં જોવાલાયક રામજી મંદિર અને મહાકાળી માતાજીનાં મંદિરો આવેલા છે. બિલેશ્વરપુરાની વસ્તી 2071 નોંધાયેલ છે. કલોલ તાલુકાનું જ અન્ય પસંદ કરાયેલ રામનગર કલોલથી ૬ કિલોમીટરના અંતરે સ્થિત છે. જેમાં ૨૦૧૯ ની સ્થિતિએ રામનગર વસ્તી 2038 નોંધાયેલ છે. અહી નોધનીય છે કે વર્ષ ૨૦૦૮-૦૯ માં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે “ગ્રામ પંચાયત નિર્મળ ગામ' પુરસ્કાર, વર્ષ ૨૦૧૦-૧૧ માં 'સ્વર્ણિમ ગ્રામ' પુરસ્કાર અને તાજેતરમાં ગામની જળ સ્વચ્છ સમિતિને વાસમો દ્વારા રૂ. ૫૦,૦૦૦ નો પુરસ્કાર રામનગર ગામે મેળવેલ છે.
આ ઉપરાંત ગાંધીનગર તાલુકા અને જિલ્લામાં પસંદ કરાયેલું રૂપાલ ગામ સમગ્ર વિશ્વમાં ત્યાં યોજાતી “પલ્લી યાત્રા” માટે આગવી ખ્યાતિ ધરાવે છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૨ કી.મી ના અંતરે સ્થિત રૂપાલ ગામ ખાતે મહાભારત કાળનું પાંડવોના અજ્ઞાતવાસના સમયનું વિશ્વવિખ્યાત વરદાયીની માતાનું પવિત્ર મંદિર સ્થિત છે. જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક ગણાય છે. રૂપાલ ગામ 6587 જેટલી વસ્તી ધરાવે છે.
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ મંદિરનું નિર્માણ કરી માતાજીની પ્રતિષ્ઠા કરી હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી “પલ્લી યાત્રા' માટે રૂપાલ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી આસ્થાના પ્રવાહનું કેન્દ્રબિંદુ બને છે અને આસો માસની નવરાત્રિ દરમ્યાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો મહેરામણ અહીં ઉમટે છે. આ પલ્લી નું નિર્માણ ગામના સર્વે સંપ્રદાય અને તમામ વર્ગના લોકો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવે છે. આ પલ્લી સમગ્ર રાત્રિ દરમ્યાન ગામના તમામ વિસ્તારોમાથી પસાર થાય છે, અને ભાવિકો દ્વારા સતત ચાર લાખ કિલોગ્રામ જેટલા ઘી નો અભિષેક આ પલ્લી પર કરવામાં આવે છે. આ પલ્લી સાંપ્રદાયિક સદભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
મહત્વનું છે કે, કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રની સતત ખેવના કરીને તમામ નાગરિકોની સુખાકારી માટે આવશ્યક બહુઆયામી પગલાઓ લેવાતા રહ્યા છે. આમ સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિત માણકોલ, મોડાસર, બિલેશ્વરપુરા, રામનગર અને રૂપાલ ગામની પશ્ચાદભૂમિને અને સ્થાનિક રીતે તેમના મહત્વને ધ્યાનમાં રાખીને તમામ માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક સુવિધા ઉપલબ્ધ બને અને આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે માનનીય સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ દ્વારા મક્કમ અને સાતત્યપૂર્ણ પગલાં લેવાઇ રહ્યાં છે.