Site icon Revoi.in

ભારતમાં હવે દોડશે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન, પ્રતિ કલાક 800 કિમીની ઝડપે ટ્રેન હવામાં દોડતી જોવા મળશે

Social Share

– ભારતના રેલવે ટ્રેક પર હવે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન દોડતી જોવા મળશે
– આ માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડએ સ્વિસ રેપિડ એજી સાથે કરી ભાગીદારી
– આ સમજૂતી પીએમ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે

ભારતમાં હવે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન દોડતી જોવા મળશે. ભારતમાં સુપર સ્પીડ ટ્રેનો લાવવા માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડએ સ્વિસ રેપિડ એજી સાથે ભાગીદારી કરી છે. આ માહિતી BHEL દ્વારા આપવામાં આવી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે જેમાં શહેરી પરિવહન ક્ષેત્ર પણ સામેલ છે. આ યોજના અંતર્ગત કંપની મેગ્લેવ ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરી રહી છે.

ભારતમાં હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેન લાવવા માટે આ ભાગીદારી કરવામાં આવી છે. હાલમાં આ હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેન માત્ર ચીન અને જાપાનમાં જ ચાલે છે. હવે તેને ભારતમાં ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે ભારતમાં હાઇસ્પીડ ટ્રેનને લઇને લોકોમાં ઘણું જ આકર્ષણ છે.

મેગ્લેવ ટ્રેનની વિશેષતા વિશે વાત કરીએ તો તે મેગ્લેવ ટ્રેન પાટા પર ચાલવાને બદલે હવામાં રહે છે. આ માટે ચુંબકીય ક્ષેત્રની મદદથી ટ્રેનને નિયંત્રિત કરવામાં આવે છે. તેથી તેનો પાટા સાથે સીધો સંપર્ક હોતો નથી. આને કારણે તેમાં ખૂબ ઓછી ઉર્જા વપરાય છે. તે સરળતાથી 500-800 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનો સંચાલન ખર્ચ પણ ઓછો છે.

BHELએ કહ્યું કે આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલે કે, BHEL સ્વિસ રેપિડ એજી સાથે મળીને આના પર કામ કરશે. જેનાથી BHEL વિશ્વની અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીને ભારતમાં લાવવામાં મદદ કરશે અને ભારતમાં મેગ્લેવ ટ્રેનોનું નિર્માણ કરશે.

(સંકેત)