Site icon Revoi.in

વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે તપાસ પંચમાં કોઇ ફેરફાર નહીં કરાય: SC

Social Share

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ કમિશનમાંથી પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તા અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલને બદલવાની માંગને મંગળવારે નકારી દીધી હતી. અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસ પંચમાં સામેલ પૂર્વ ડીજીપી કે એલ ગુપ્તા અને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શશિકાંત અગ્રવાલને દૂર કરવા મામલે અસહમતિ દર્શાવી હતી.

સુપ્રીમ કોર્ટે પૂર્વ ડીજીપી કે એલ ગુપ્તાએ મીડિયા સમક્ષ જે નિવેદન આપેલું તે અંગે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. અરજદાર અનુસાર કે એલ ગુપ્તાએ એન્કાઉન્ટર બાદ પોલીસને ક્લીન ચીટ આપતું નિવેદન આપ્યું હતું. બાદમાં યુપી સરકારનો પક્ષ રાખવા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાનું નિવેદન વાંચીને સંભળાવ્યું હતું.

જો કે આ બાદ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બોબડેએ અરજદારને તેઓ આ રીતે તપાસ પંચના સભ્યો ના બદલી શકે તેમ જણાવ્યું હતું. કે એલ ગુપ્તાએ સંતુલિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જો પોલીસ અધિકારી દોષિત ઠેરવાય તો તેમને સજા જરૂર મળવી જોઇએ.

મહત્વનું છે કે, મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે આયોગમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએસ ચૌહાણ છે, હાઈકોર્ટના એક પૂર્વ જજ શશિકાંત અગ્રવાલ પણ છે. પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાની વિશ્વસનીયતા પર શંકા માટેનું પણ કોઈ કારણ નથી. અરજીકર્તાએ આ રીતે તેમના પર પૂર્વગ્રહનો આરોપ ન મુકવો જોઈએ.

 (સંકેત)