Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – કોરોનાને રોકવા તમે શું પગલા લીધા તે જણાવો

Social Share

નવી દિલ્હી: દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સાથોસાથ અનેક રાજ્યોને પણ આકરા સવાલો પૂછીને ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠ દ્વારા કેન્દ્ર સરકારને સવાલ કરવામાં આવ્યો છે કે તેમણે દેશમાં કોરોનાના વધતા કેસ સામે શું પગલાં લીધા છે. તે ઉપરાંત ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામમાં પણ વધતા કેસના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેની માહિતી આપવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી હતી અને ગુજરાતમાં લગ્ન સમારંભ અને વિભિન્ન સરઘસ અને મેળાવડાની મંજૂરી બાબતે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર પછી દેશમાં ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ સૌથી ખરાબ છે અને તમે લોકોને ભેગા થવાની છૂટ આપો છો ?

સુપ્રીમ વધુમાં કહ્યું કે, અમને જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની રહી છે અને ડિસેમ્બરમાં સ્થિતિ વધુ વણસશે તો અમે તમને પૂછવા માગીએ છીએ કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે શું પગલાં લીધા છે તેમજ કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે શું કર્યું છે તે અંગે વિગતવાર માહિતી આપો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત ઉપરાંત દિલ્હી સરકારની પણ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દેશની રાજધાનીમાં જ જો સ્થિતિ નિયંત્રણમાં ના હોય તો અન્ય વિસ્તારોમાં સ્થિતિ શું હશે તેની અમે કલ્પના નથી કરી શકતા. દિલ્હીમાં વણસી રહેલી સ્થિતિને લઇને દિલ્હી સરકારે શું પગલાં લીધા છે તે અંગે જવાબ આપવા માટે કહ્યું છે.

નોંધનીય છે કે દેશમાં રવિવારે 44 હજાર 404 કેસ નોંધાયા હતા. જેમાં 41 હજાર 405 દર્દી સ્વસ્થ થયા હતા અને 510 લોકોનાં મોત થયા હતા. દેશમાં અત્યારસુધીમાં 91.40 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. દિલ્હીમાં પણ રવિવારે 6746 લોકોનાં મોત થયા હતા અને 6154 લોકો સ્વસ્થ થયા હતા.

(સંકેત)