- દેશના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે સુપ્રીમની લાલ આંખ
- સુપ્રીમે કેન્દ્ર સરકારને માલ્યાના પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા કર્યો નિર્દેશ
- આ કેસની આગામી સુનાવણી હવે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં થશે
નવી દિલ્હી: દેશના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે સુપ્રીમે હવે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે બ્રિટનમાં ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહી સંબંધિત વર્તમાન સ્થિતિ અંગે 6 સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરો. ન્યાયાધીશ યૂયૂ લલિતની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ બાદની સુનાવણી યુકેમાં તેની વિરુદ્વ ગુપ્ત કાર્યવાહીને કારણે થઇ રહી ન હતી. 31 ઑગસ્ટના રોજ પુનર્વિચાર અરજી રદ થયા બાદ અને સજાની પુષ્ટિ થયા બાદ માલ્યા પોતાની વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં અવમાન મામલે સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાના હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ન્યાયાધીશ લલિતે કહ્યું હતું કે 31 ઑગસ્ટના વિદેશ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં માલ્યા સામે અમુક કાનૂની કાર્યવાહી બાકી છે. આ અંગે માલ્યાના વકીલ પાસેથી જવાબ માંગ્યો હતો. ઇ.સી.અગ્રવાલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે કે તેઓ આ કેસમાંથી મુક્ત થવા માંગે છે. જસ્ટિસ લીલતે આ અરજી રદ કરી દીધી છે. આથી અગ્રવાલ આરોપીના વકીલ તરીકે ચાલુ રહેશે. જે બાદમાં ન્યાયાધીશ લલિતે આ કેસમાં સંબંધિત રિપોર્ટ છ સપ્તાહમાં સોંપવાનો આદેશ કર્યો હતો.
અગાઉ સુપ્રીમ કોર્ટે ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની યૂનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ(UHBA)ની એક અરજી 26 ઑક્ટોબરના રોજ રદ કરી દીધી હતી. અરજીમાં કંપનીએ કર્ણાટક હાઇકોર્ટ કિંગફિશર એરલાઇન્સની બાકીની રકમની વસૂલાત માટે UHBAને બંધ કરવાનો આદેશ પડકાર્યો હતો. ન્યાયાધીશ યૂયૂ લલિત, વિનીત સરણ અને એસ.રવિન્દ્ર ભટની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના છ માર્ચના આદેશને પડકારતી UHBAની અરજી સ્વીકારવાની જ મનાઈ કરી દીધી હતી.
નોંધનીય છે કે, ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વ વાળા બેંકના એક જૂથ તરફથી રજૂ થયેલા વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જાણકારી આપી હતી કે લગભગ 3,600 કરોડની બાકીની રકમ વસૂલ કરવામાં આવી છે. પરંતુ UHBA અને માલ્યા પાસેથી હજુ પણ 11,000 કરોડ વસૂલ કરવાના બાકી છે.
(સંકેત)