- કોરોના સંકટને કારણે દિલ્હી-મહારાષ્ટ્ર સરકારે અંતિમ વર્ષની પરીક્ષાઓ કરી રદ
- યુજીસીએ આ નિર્ણય વિરુદ્વ વાંધો ઉઠાવ્યો
- વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે પરીક્ષા વગર તેઓને ડિગ્રી નહીં મળે: UGC
કોરોનાના સંકટને ધ્યાનમાં રાખતા દિલ્હી તેમજ મહારાષ્ટ્ર સરકારે સ્નાતક કક્ષાની અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. જો કે યુજીસીએ તેની સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની તૈયારી રાખે, એમ ના વિચારે કે મામલો કોર્ટમાં લંબિત છે. વિદ્યાર્થીઓએ એ જાણી લેવું જોઇએ કે પરીક્ષા વગર તેમને કોઇપણ ભોગે ડિગ્રી તો નહીં જ મળે. આ જ કાયદો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષા અંગે અશોક ભૂષણ, આર.સુભાષ રેડ્ડી અને એમ.આર.શાહની બેન્ચે યુજીસીને પૂછ્યું કે શું સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી યુજીસીના કાયદાની અવગણના કરીને પરીક્ષા રદ કરી શકે કે નહીં? યુજીસી તરફથી પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે યુજીસીને જ તમામ કોલેજોની પરીક્ષાઓનું આયોજન કરવાનો તેમજ સ્થગિત કરવાનો અધિકાર છે. આ અધિકારને રાજ્ય તેની મરજીથી યુજીસીની સંમતિ વિના પ્રભાવિત ના કરી શકે.
મહારાષ્ટ્ર તથા દિલ્હી સરકારે કોરોના મહામારીનો હવાલો આપી દિલ્હી તથા મહારાષ્ટ્રની તમામ કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન કોર્સની ફાઈનલ યરની પરીક્ષાઓ રદ કરી દીધી છે. તેમને આ મામલે વિસ્તૃત જવાબ દાખલ કરવા વધારાનો સમય આપવામાં આવે.
નોંધનીય છે કે યુજીસીએ દેશભરની કોલેજ-યુનિવર્સિટીઓને નિર્દેશ આપ્યો હતો કે 30 સપ્ટેમ્બર સુધી સ્નાતક કોર્સની અંતિમ વર્ષની પરીક્ષાઓ આયોજીત કરે. જો કે આ નિર્ણયને 20થી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભે વધુ સુનાવણી 14 ઑગસ્ટના રોજ હાથ ધરાશે.
(સંકેત)