- ડૉ.બાબાસાહેબ આંબેડકરે આજ દિવસે વંચિત સમાજના ઉત્થાન માટે લીધો હતો સંકલ્પ
- આ જ કારણોસર દર વર્ષે આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવાય છે
- ડૉ.આંબેડકર સંકલ્પ ચરિતાર્થ કરી કરોડો વંચિતોના તારણહાર બન્યા
- વડોદરાના કમાટીબાગમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનું બનશે સ્મારક
અમદાવાદ: તારીખ 23 સપ્ટેમ્બર 1917 માં ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા વંચિત સમાજ માટે સમર્પિત થવા લેવાયેલ ઐતિહાસિક સંકલ્પ ને કારણે દર વર્ષે 23 સપ્ટેમ્બરને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તથા ગાયકવાડ સરકાર માં ઉચ્ચ હોદ્દો ધારણ કર્યા બાદ જ્ઞાતિ વ્યવસ્થા ને કારણે ડૉ.બાબાસાહેબ ને રહેવા મકાન ઉપલબ્ધ ન હતું. હોટલ તથા વીશીમાં પણ જ્ઞાતી પ્રથાને કારણે રહેવા ન મળ્યું.
આખરે અપમાનિત દશાથી કંટાળીને ડૉ.બાબાસાહેબે નોકરી છોડી મુંબઈ જવા રવાના થયા. ટ્રેન વિલંબ માં હોઈ વડોદરા સયાજીરાવ બાગમાં વૃક્ષ નીચે બાબાસાહેબે અનુસૂચિત જાતિઓ ની સામાજિક, આર્થિક સ્થિતિઓ વિશે વિચારમંથન કરી સંકલ્પ કર્યો કે જે સમાજમાં જન્મ્યો છું તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘૃણાજનક, ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને તે અત્યાચારો દૂર કરવામાં હું નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.
ડૉ.બાબાસાહેબે તેમના જીવનમાં આ સંકલ્પ ચરિતાર્થ કરી ભારતરત્ન તથા બૌધિસત્વ બાબાસાહેબ કરોડો વંચિતોના તારણહાર બન્યા.
વડોદરા સંકલ્પ ભૂમિના કાયમી સ્મારક માટે ગુજરાત સરકારે 10 કરોડ તથા ભારત સરકારે 1 કરોડ ની રકમ ફાળવેલ છે જે કામ પ્રગતિ હેઠળ છે.
ચાલો આજના સંકલ્પ દિવસે ડૉ.બાબાસાહેબ ના રસ્તે આગળ વધી અનુસૂચિત જાતિઓના રક્ષણ તથા સમરસ સમાજ માટે સમર્પિત થઈએ.
(સંકેત)