- દેશભરમાં 1લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની વિચારણા
- 1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવા આયોજન
- આ અંગે સેક્રેટરીઓના એક જૂથની યોજાઇ બેઠક
દેશમાં માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ ફેલાયા બાદ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશભરની સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે અનલોક 3 દરમિયાન કેન્દ્ર સરકાર 1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જો કે આ માટેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર છોડાશે. શરૂઆતમાં હાયર સેકન્ડરી શાળા તથા કોલેજો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય મંત્રીઓના જૂથ સાથે સંલગ્ન સેક્રેટરીઓના એક જૂથની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર આ મહિનાના અંતે નવી અનલોક ગાઇડલાન્સ શરૂ કરે તેની સાથોસાથ શાળા શિક્ષણનો મુદ્દો આવરી લેવાય તેવી પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે બાળકોને કેટલાં પ્રમાણમાં ક્યારે બોલાવવા અને કેવી રીતે શાળાએ લાવવા તેની રૂપરેખા નક્કી કરવાનું કાર્ય રાજ્ય સરકાર પર છોડી દેવું જોઇએ.
શિક્ષણ ફરી શરૂ કરવાની રૂપરેખા
– પહેલા તબક્કામાં ધો. 10થી 12ના વર્ગો શરૂ કરાશે.
– બીજા તબક્કામાં ધો. 6 થી 9ના વર્ગો શરૂ કરાશે. જોકે, વર્ગો મર્યાદિત સમય માટે જ રહેશે.
– એક જ વર્ગના બાળકોને અલગ અલગ દિવસે બોલાવવાનો વિકલ્પ પણ વિચારાશે.
– કોઇ એક સમયે શાળામાં કુલ સંખ્યાના 33 ટકા શિક્ષકો અને વિદ્યાર્થીઓ જ હાજર હોય તેવી તકેદારી રાખવા જણાવાશે.
– શાળાઓમાં શિફ્ટ હશે. થોડા વર્ગો સવારની પાળીમાં અને થોડા વર્ગો બપોરની પાળીમાં યોજાય તથા બે પાળી વચ્ચે સેનિટાઇઝેશન માટે ગેપ રખાય તેવી પણ શક્યતા છે.
– પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિક શરૂ કરવાની ઉતાવળ નહીં કરાય. તેમના માટે ઓનલાઇન ક્લાસ ચાલુ રહશે.
– વિશ્વના અન્ય દેશોએ શાળા શિક્ષણ શરૂ કરવા માટે અપનાવેલી ગાઇડલાઇનનો અભ્યાસ કરાશે અને તેમાંથી બેસ્ટ પ્રેકટિસનો અમલ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ ખાતાએ શાળાઓ શરૂ કરવા અંગે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. આ સર્વેક્ષણમાં વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી તેવું સામે આવ્યું હતું. જો કે તેની સામે રાજ્ય સરકારે એવી દલીલ રજૂ કરી હતી કે ઓનલાઇન શિક્ષણને કારણે સમાજનો એક મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહી જાય છે, ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના બાળકો સુધી ઓનલાઇન શિક્ષણ પહોંચતું નથી. તેથી તેઓને પણ શિક્ષણ મળે તે હિતને ધ્યાનમાં રાખતા શાળાઓ શરૂ થાય તે આવશ્યક છે.
મહત્વનું છે કે, હાલમાં લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાને કારણે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન ટીચિંગ કરાવી રહી છે પરંતુ રાજ્ય સરકારના મત મુજબ ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના સંતાનો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે અને શિક્ષણમાં પણ પાછળ રહી જાય તેવી પણ શક્યતા છે. આ વાતને ધ્યાનમાં રાખીને પણ હવે શાળાઓ શરૂ કરાય તે જરૂરી છે.
(સંકેત)