Site icon hindi.revoi.in

ધો.9 પાસ છત્તાં આ ખેડૂતે 600 થી વધુ દેશી બીજ કર્યા વિકસિત, અનેક ખેડૂતોને બનાવ્યા આત્મનિર્ભર

Social Share
સંકેત.મહેતા

ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતમાં હજુ પણ અનેક લોકો ખેતી પર નિર્ભર રહે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ધાન્યની વાવણી કરે છે. દેશના અનેક ખેડૂતો આત્મનિર્ભર ભારતનું અનેરું દ્રષ્ટાંત પૂરું પાડે છે. આવા જ એક ખેડૂત છે જય પ્રકાશ સિંહ.

આમ તો જય પ્રકાશ સિંહ અન્ય ખેડૂતોની જેમ એક સામાન્ય ખેડૂત જ છે. તેમણે ડાંગરની 460, ઘઉંની 120 અને દાળની અલગ અલગ 30 જાતો વિકસિત કરી છે. આ વિશે વાત કરતા તેઓ કહે છે કે, “તેઓએ આત્મનિર્ભર બનવાનું એ માટે નક્કી કર્યું જેથી બજારથી બીજ ખરીદવા માટે પૈસા ના ખર્ચવા પડે. તેમણે પારંપરિક પદ્વતિથી જ બિજનો વિકાસ કર્યો છે. હકીકતમાં, તેમણે જે બિજો વિકસિત કર્યા છે, તે બજારમાં ઉપલબ્ધ બીજોની સરખામણીએ વધુ ઉપજ આપે છે.”

જય પ્રકાશનું જીવન પણ પ્રેરણાદાયક છે. તેમણે માત્ર ધોરણ-9 સુધી અભ્યાસ કર્યો છે. તેમનો પરિવાર પણ તેઓને માત્ર ફરતા રહેતા વ્યક્તિ માનતો હતો.

આ રીતે બીજ વિકસિત કરવા માટે મળી પ્રેરણા

ફરવાનો શોખ જ જય પ્રકાશને ખેતી તરફ લઇ ગયો હતો. અહીંયાથી જ તેમને કંઇક કરી બતાવવાની પ્રેરણા સ્ફૂરિત થઇ. એકવાર તેમની નજર અનેક પાકો વચ્ચે ઉગેલા ઘઉંના છોડ પર ગઇ. ઘઉંના એ છોડ પર ઘઉંના અનેક દાણા હતા અને તે છોડ અન્ય છોડની સરખામણીએ વધુ સ્વસ્થ પણ લાગી રહ્યો હતો. અહીંયા જ તેમનામાં ઉત્સાહનો સંચાર થયો અને તેમની આ યાત્રા શરૂ થઇ. તેમણે પોતાની રૂચિ અને ધગશ સાથે પાક વિશે વાંચવાનું શરૂ કર્યું અને જાણકારી પણ એકત્ર કરી. આ દરમિયાન તેઓ બીજ સંવર્ધન પદ્વતિથી વધુને વધુ પરિચિત થવા લાગ્યા. તેમણે બીજોના જીવનચક્ર વિશે પણ જાણકારી એકત્ર કરી અને તે પણ જાણ્યું કે એક પારંપરિક ખેડૂત ખેતી માટે ક્યારેય બીજની ખરીદી નથી કરતા પરંતુ એક સારા પાકના બીજમાંથી જ બીજા પાકના વાવેતર માટે એ બીજને જમા કરે છે.

તેઓ જણાવે છે કે, “જ્યારે તેઓએ પારંપરિક પદ્વતિ અને સ્વદેશી બીજોથી વધુ ઉપજ આપનારી પદ્વતિની શોધ કરી ત્યારે અન્ય ખેડૂતો પણ તેમની પાસે આવવા લાગ્યા.”

લોકોની ટીકા છત્તાં લક્ષ્ય પ્રત્યે રહ્યા અડીખમ

જય પ્રકાશ માટે જો કે આ યાત્રા ખૂબ જ કઠીન રહી છે. પોતાના પરિવારથી દૂર રહેવાની સાથોસાથ તેઓ અનેકવાર ટીકાના ભોગ બન્યા છે. જો કે અનેક વિપરીત પરિસ્થિતિ અને અડચણો છત્તાં તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે છેક સુધી અડીખમ રહ્યા. તેઓ આ વિશે વાત કરે છે કે, “હું મારા જ કામમાં નિષ્ઠાપૂર્વક ઓતપ્રોત થઇ ગયો અને આ જ મારા માટે એક વરદાન સાબિત થયું.” બે પુત્રી અને બે પુત્રના પિતા જય પ્રકાશ હવે વારાણસી જીલ્લાના ટંડિયા ગામના એક સફળ અને સન્માનિત ખેડૂત છે. તેઓએ માત્ર તેમના ખંત, જ્ઞાન અને મહેનતના જોરે આ સિદ્વિ હાંસલ કરી છે.”

વધુને વધુ ખેડૂતોને સહાયરૂપ થાય છે

જય પ્રકાશ વધુમાં ઉમેરે છે કે, “અનેક સરકારી અધિકારી તેઓની મુલાકાત માટે આવે છે અને તેઓના બીજની અનેક જાતોને પણ સાથે લઇ જાય છે. તેનાથી સરકાર પાસેથી સહાય પ્રાપ્ત થાય છે. જો કે પ્રત્યક્ષ મદદને બદલે અનેક અધિકારીઓ તેઓને મલ્ટી નેશનલ કંપની સાથે મળીને બીજનો વ્યવસાય શરૂ કરવાની સલાહ આપે છે. પરંતુ તેઓનો એ હેતુ નથી. તેઓ દેશના વધુને વધુ ખેડૂતો સુધી પહોંચવા માંગે છે અને કોઇ કોર્પોરેટ અથવા એમએનસી પર નિર્ભરતા વગર મોટા પાયે આ ખેડૂતોને વધુ પાકના ઉત્પાદન માટે સહાયરૂપ થવા માંગે છે.”

બીજની એક જાતમાંથી 79 ક્વિંટલ પ્રતિ હેક્ટરની ઉપજ

તેઓ દ્વારા વિકસિત ઘંઉના બીજની એક જાતમાંથી 79 ક્વિંટલ પ્રતિ હેક્ટર ઉપજ થાય છે. તે જ રીતે ડાંગરનું બીજ (HJPW157) જીરા જેવું દેખાય છે અને કદમાં પણ ખૂબજ નાનું હોય છે. તે 130 દિવસમાં પાકીને તૈયાર થઇ જાય છે અને તેમાં સિંચાઇની પણ ઓછી આવશ્યકતા રહે છે.

તે ઉપરાંત તેમણે એક ખાસ પ્રકારનું સફરજનનું વૃક્ષ પણ ઉગાડ્યું છે જેમાં એક ઝુમખામાં 8-10 ફળ એક સાથે આવે છે. તેઓ ગરીબ ખેડૂતો માટે તેનું ઉત્પાદન વધારી રહ્યા છે.

ઘઉંના વિશેષ બીજની અસાધારણ ઉપલબ્ધિ

તેઓ દ્વારા વિકસિત એક વિશેષ જાતના ઘઉંનું બીજ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય. તેઓ કહે છે કે, “હાઇબ્રિડ ઘઉં માત્ર 2 થી 2.5 ફુટ લાંબા હોય છે. જ્યારે તેઓ દ્વારા વાવેતર કરાયેલા ઘઉં 9 થી 12 ફુટ લાંબા હોય છે. તે ઉપરાંત દેશી જાતના પ્રત્યેક ઠૂંઠામાં 60-70 બીજ લાગે છે. હાઇબ્રિડ જાતના બિજથી આટલી ઉપજ શક્ય નથી. દેશી ઘઉંના લોટથી બનાવેલી રોટલીઓના સ્વાદથી આ બીજની અસાધારણ ખૂબી વિશે જાણી શકાય છે.

તેઓ દેશી જાતના બીજનું ઉદાહરણ આપતા કહે છે કે સવારે બનાવેલી રોટલીઓ રાત સુધી તાજી અને મુલાયમ રહે છે. જે હાઇબ્રિડ પાકથી હાંસલ કરવું અશક્ય છે.

આ રીતે બીજનું કરે છે સંવર્ધન

બીજની ઉપજ માટે અલગ અલગ પદ્વતિ અપનાવ્યા બાદ જય પ્રકાશ બીજની વાવણી તેમજ પોતાના પ્રયોગોને ચાલુ રાખવા માટે માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરે છે. તેઓનું આમ કરવા પાછળનો હેતુ એ જ છે કે તેઓના અવસાન બાદ તેમની આટલી મહેનત એણે ના જતી રહે. આ જ વિચારીને તેમણે સીડ જીન બેંક બનાવી છે.

અત્યારે જ્યારે સરકાર કેટલાક પાકોની આયાત પર વિચાર કરી રહી છે ત્યારે જય પ્રકાશનું માનવું છે કે, “દેશી બીજને વિકસિત કરવું એ મેક-ઇન-ઇન્ડિયા મૉડલને આગળ વધારવાનું એક માધ્યમ છે. આપણે પ્રત્યેક લોકોએ દેશની પ્રગતિ માટે કામ કરવાની આવશ્યકતા છે. આ દેશની પ્રગતિ માટે મારું યોગદાન છે. ભારતના ખેડૂત હોવાના નાતે આપણે આત્મનિર્ભર બનીને ક્યારેય પણ અન્ય દેશોના કૃષિ ઉત્પાદનોની આયાત ના કરવી જોઇએ. તેને બદલે આત્મનિર્ભર બનીને દેશમાં જ વધુને વધુ ઉત્પાદન કરીને તેને નિકાસ કરવું જોઇએ.”

મહત્વનું છે કે, અનેક ખેડૂતો બીજ માટે જ્યારે બજાર પર નિર્ભર રહે છે તેના કરતા જય પ્રકાશ સિંહની જેમ આત્મનિર્ભર બનીને બીજની પોતે જ વાવણી કરે તો તેનાથી મબલખ પાકનું ઉત્પાદન થાય તેમજ આત્મનિર્ભર ભારતના સરકારના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં પણ તે સહાયરૂપ બને તે ચોક્કસ છે. જય પ્રકાશ સિંહ દેશના આવા અનેક ખેડૂતો માટે આત્મનિર્ભરતાનું એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.

 

Exit mobile version