Site icon Revoi.in

નેતાઓ સામેના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ ખફા, કેસોની ઝડપી પતાવટ માટે સુપ્રીમનો આદેશ

Social Share

– વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ખફા
– સુપ્રીમે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને કેસોની ઝડપી નિકાલ કરવા અંગેના આપ્યા નિર્દેશ
– વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ 4442 ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે

વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સુપ્રીમે આજે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ કેસોના નિકાલ માટે વિશેષ કોર્ટોની રચના કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે. ન્યાયમૂર્તિ એન વી રમાણાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા હોવા છત્તાં આવા કેસોના નિકાલમાં ખાસ કોઇ પ્રગતિ જોવા મળી નથી.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં વર્ષ 2016માં એક આદેશ પસાર કર્યો હતો અને સાંસદો તથા ધારાસભ્યો વિરુદ્વના ક્રિમિનલ કેસોમાં થતાં અસહ્ય વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ એન વી રમાણા ઉપરાંત ન્યાયમૂર્તિ સૂર્ય કાંત અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના રાજકારણમાં અપરાધીકરણનું વધતું જતું પ્રમાણ એક ચિંતાજનક બાબત છે.

ખંડપીઠે તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને વર્તમાન અથવા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ ચાલી રહેલા ક્રિમિનલ કેસોની યાદી યોગ્ય ખંડપીઠ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોની સુનાવણી દરરોજ થવી જોઇએ અને બે મહિનાની અંદર આવા કેસોનો નિકાલ થઇ જવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 હેઠળ 175 કેસ ચાલી રહ્યાં છે જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ 14 કેસો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત 8 સપ્ટેમ્બર, 2020 સુધીમાીં વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ 4442 ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે.

(સંકેત)