Site icon Revoi.in

પહેલી નવેમ્બરથી બદલાશે આ નિયમો, જાણી લો તમારા ખિસ્સા પર શું અસર થશે

Social Share

નવી દિલ્હી: આજે ઑક્ટોબર મહિનાનો અંતિમ દિવસ છે ત્યારે આવતીકાલથી એટલે કે પહેલી નવેમ્બરથી અનેક નિયમો બદલાઇ રહ્યા છે. આ નિયમોમાં બદલાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેથી આજે અમે તમને નિયમોમાં થઇ રહેલા બદલાવથી માહિતગાર કરીશું. જો તમે આ વસ્તુઓ પર ધ્યાન નહીં આપો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તો ચાલો જાણીએ આ નિયમોમાં બદલાવ વિશે.

હવે LPG ડિલિવરી અંગે નિયમમાં બદલાવ થવા જઇ રહ્યો છે. પહેલી નવેમ્બરથી ઓઇલ કંપનીઓ ડિલિવરી ઑથેન્ટિકેશન વ્યવસ્થાનો અમલ શરૂ કરશે. એટલે કે ગ્રાહકોને સિલિન્ડરની ડિલિવરી પહેલા તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ઘરે આવશે ત્યારે તમારે ડિલિવરી બોયને ઓટીપી આપવો પડશે. જો ઓટીપી સિસ્ટમ સાથે મેચ થશે તો સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે.

ઇન્ડેન ગેસ તરફથી બુકિંગ નંબર બદલવામાં આવ્યો છે જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો પહેલી નવેમ્બરથી તમે જૂના નંબર પરથી ગેસ સિલિન્ડર બૂક નહીં કરાવી શકો. હવે આખા દેશમાં ઇન્ડેન ગેસના ગ્રાહકોએ સિલિન્ડરનું બૂકિંગ કરવા માટે 7718955555 નંબર પર કૉલ અથવા SMS કરી શકે છે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. આ તારીખે કિંમત વધી કે ઘટી શકે છે. આથી પહેલી નવેમ્બરના રોજ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે. ઓક્ટોબર મહિનામાં ઓઇલ કંપનીઓએ કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો.

ટ્રેનના યાત્રિઓ માટે પણ મહત્વના સમાચાર ચે. ટ્રેનનું સમયપત્રક બદલાશે. 1લી નવેમ્બરથી ભારતીય રેલ આખા દેશની ટ્રેનોમાં સમયપત્રકમાં ફેરફાર કરી શકે છે. પહેલી નવેમ્બરના રોજ ટ્રેનોનું નવું સમયપત્રક જાહેર થશે. જેમાં 13 હજાર પ્રવાસી અને સાત હજાર માલગાડીના ટાઇમ બદલવામાં આવશે. દેશમાં 30 રાજધાની ટ્રેનનું સમયપત્રક પણ પહેલી નવેમ્બરથી બદલાશે.

હવે એસબીઆઇના બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. પહેલી નવેમ્બરથી એસબીઆઇ અમુક મહત્વના ફેરફાર કરી રહી છે. પહેલી નવેમ્બરથી એસબીઆઇના બચત ખાતા પર પહેલા કરતાં ઓછું વ્યાજ મળશે. પહેલી નવેમ્બરથી જે બચત ખાતામાં એક લાખ રૂપિયા સુધીની રકમ જમા હશે તેના પર વ્યાજદર 0.25 ટકા ઘટીને 3.25 ટકા થઇ જશે.

(સંકેત)