Site icon Revoi.in

રાષ્ટ્રપતિ કોવિંદે વાસણ ઘસતા રિયાઝને રેસિંગ સાયકલ ભેટ કરી, આ છે તેનું કારણ

Social Share

કોઇપણ દેશના ભાવિના ઉત્કૃષ્ટ નિર્માણમાં યુવાવર્ગની ભૂમિકા અતિ મહત્વની હોય છે ત્યારે આ જ દિશામાં દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે ઉત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અત્યંગ ગરીબ પરિવારના રિયાઝને એક ખૂબ જ મહત્વની ભેટ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રિયાઝને સાયકલ ભેટ કરી છે. રિયાઝનું સ્વપન એક શ્રેષ્ઠ સાયકલિસ્ટ બનવાનું છે.

રાષ્ટ્રપતિએ તેને સાયકલ ભેટ કરતી વખતે સાયકલિંગ રેસમાં ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનવા માટે શુભેચ્છા પાઠવતા સખત મહેનત કરવાનું કહ્યું હતું. હાલમાં રિયાઝ સાયકલિસ્ટ બનવા માટે સખત મહેનત કરી રહ્યો છે. રાષ્ટ્રપતિએ ઇદના એક દિવસ અગાઉ તેને સાયકલ ભેટ કરી છે જેથી તેને ઇદ બરાબર જ ગણી શકાય.

મૂળ બિહારના મધુબનીનો રહેવાસી રિયાઝ દિલ્હીની આનંદ વિહારના સર્વોદય બાળ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. રિયાઝ અન્ય બાળકો માટે પ્રેરણા પૂરી પાડે છે. તેના માતા-પિતા, બે બહેનો તેમજ એક ભાઇ બિહારમાં જ રહે છે.

રિયાઝ ગાઝિયાબાદમાં એક ભાડાના મકાનમાં રહે છે. તેના પિતા રસોઇ બનાવવાનું કામ કરે છે. તેના પિતાને આર્થિક મદદ મળી રહે તે હેતુસર રિયાઝ શાળા સિવાયના સમયમાં ગાઝિયાબાદની એક ખાણી-પીણીની દુકાનમાં વાસણ ઘસવાનું કામ કરે છે.

નોંધનીય છે કે, રિયાઝ દરરોજ અભ્યાસ અને પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ તે સાયકલિંગ માટે આકરી પ્રેક્ટિસ કરે છે. 2017માં તેણે દિલ્હી સ્ટેટ સાઇકલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તે ગુવાહાટીની સ્કૂલ ગેમ્સ ઈવેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેણે નેશનલ લેવલ પર ચોથું સ્થાન મેળવ્યું હતું.

(સંકેત)