Site icon Revoi.in

બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને અર્નબ ગોસ્વામીએ સુપ્રીમમાં પડકાર્યો

Social Share

નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના તેના વચગાળા જામીન રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. વર્ષ 2018માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વેય નાઇકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના કેસમાં બોમ્બે હાઇકોર્ટે સોમવારે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

આપને જણાવી દઇએ કે મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેને કોવિડ કેર સેન્ટર એવી શાળામાં રખાયો હતો. જ્યાં તે મોબાઇલનો દુરુપયોગ કરતો હોવાનું જણાતા તેને મુંબઇની તલોજા જેલ શિફ્ટ કરાયો હતો. અર્નબ ઉપરાંત અન્ય બે આરોપીએ પણ વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એમ એસ કર્ણિકની બેન્ચે સોમવારે આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા અસાધારણ ક્ષેત્ર અધિકારના ઉપયોગનો કોઇ કેસ બનાવાયો નથી અને નિયમિત જામીન માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે. કોર્ટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવા કહ્યું અને ચાર દિવસમાં અરજી પર ઓર્ડર આપવા આદેશ કર્યો હતો.

મહત્વનું છે કે, આ કેસમાં હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી અને કોઇપણ અરજદારને રાહત આપ્યા વગર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2018ના કેસમાં રાયગઢ જીલ્લાના અલીબાગ પોલીસે અર્નબ ગોસ્વામીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. અર્નબ અને અન્ય વિરુદ્ધ આર્કિટેક્ટને તેના કામના પુરતા નાણાં નહીં ચૂકવવાનો તેમજ અન્વય નાઈક અને તેની માતાની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા માટે કેસ નોંધાયો હતો.

(સંકેત)